ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે ભાજપે મુરતિયા જાહેર કરી દીધા છે. ત્યારે ક્યાંક અસંતોષની લાગણી જોવા મળી રહી છે. એમા એક ચર્ચિત નામ એટલે મધુ શ્રી વાસ્તવ. વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. આ બેઠક પર 1962થી 1985 કોંગ્રેસનો કબજો હતો. જે બાદ 1995થી 2017 સુધી એટલે કે 6 ટર્મથી બાહુબલી નેતાની ઓળખ ધરાવતા મધુ શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે. પરંતુ આ વખતે વડોદરાની વાઘોડિયા બેઠક પર કોઈ બીજાને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈને નેતાજી ગુસ્સે થયા છે.
આ વખતે મધુ શ્રીવાસ્તવની જગ્યાએ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આ વાતને લઈ મધુ શ્રીવાસ્તવ દ્વારા નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા આ વખતે મારા સ્થાને અન્ય વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે. મારા કાર્યકરો કહેશે તે મુજબ હું કરીશ, જો કાર્યકરો મને અપક્ષ ઉમેદવારી નોધાવવાનું કહેશે તો હું અપક્ષ ઉમેદવારી નોંધાવીશ અને જીતીશ તો ભાજપમાં જઈશ. સાથે જ મધુએ વાત કરી કે મારે હજુ મારા ઘણા કામો કરવાના બાકી છે. બાકી રહેલ કામ પૂર્ણ કરવા માટે ચૂંટણી લડવી છે.
કોઈને કોઈ વાતને લઈ મધુ મીડિયામાં હેડલાઈન્સમાં રહે છે. તેણે પહેલાં મીડિયા સમક્ષ કહ્યું, આ વખતે મારી ચૂંટણી લડવાની ઇચ્છા ઓછી છે, હું પત્નીને ચૂંટણી લડાવીશ. જોકે ત્યાર બાદ તેમણે નિવેદન ફેરવી તોળતાં કહ્યું, મારી પત્ની બાજુમાં ઊભી હતી, તેને સારું લાગે એટલે હું તો મજાક કરતો હતો. ત્યારે હવે નામ જાહેર થયાં એમાં મધુનુ પત્તુ કપાઈ ગયું છે. અને એની જગ્યાએ વાઘોડિયાથી અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે.