હવે આજથી સાતમ, આઠમનો તહેવાર શરૂ થઈ ગયો છે. ત્યારે લોકો જુગાર રમવાનું ચૂકશે નહીં અને હાલમાં રમવાનું શરૂ થઈ ગયું એના પુરાવા પણ મળી રહ્યાં છે. કારણ કે હાલમાં જ ખેડામાં એક એવો દાખલો સામે આવ્યો જે જાણીને તમે પણ ચોંકી જશો. કારણ કે પોલીસે જુગાર રમતા ઝડપેલા શખ્સને છોડાવવા માટે અન્ય શખ્સે પોલીસ કર્મીના માથામાં ડંડાનો ફટકો માર્યો. ખેડા પોલીસ મથકના ગોબલેજ આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ વોરંટની બજવણી કરીને જાહેરમાં જુગાર રમતા હોઈ તેઓ પૈકી એકને ઝડપ્યો હતો અને બીજાએ પાછળથી ઘા કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
જોકે એવું પણ કહેવામાં આવે છે કે ઝપાઝપી થતાં એક પોલીસ કર્મચારીને પાછળથી હુમલો કરતા માથાના ભાગે ડંડો મારતા ઈજાઓ થતાં તે સ્થળ પર બેભાન થઈ ગયા હતા. ખેડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતા તેમને માથામાં 4 ટાંકા આયા હોવાનું જણાવ્યું હતું.
ઈજાગ્રસ્ત પોલીસ કર્મી વિક્રમસિંહ મોહનસિંહે પણ આ ઘટના અંગે વાત કરી હતી કે તેઓ વોરંટની બજવણી કરવાની હોવાથી ગોબલેજ, ચલીન્દ્રા, નાયકા ગયા. જેમાનાયકા ગામની દૂધની ડેરી સામે જુગાર રમતા ઈસમો પૈકી એકને ઝડપી લીધો હતો. જે પોલીસના કામમાં અડચણ ઊભી કરી ભાગવા માટે ક્યારયનો ઝપાઝપી કરતો હતો. અને અન્ય એક શખ્સે પાછળથી આવીને મને માથાના પાછળના ભાગે જોરથી ફટકો માર્યો. મને ભારે ઈજા થઈ અને હાલમાં માથામાં ચાર ટાંકા પણ આવ્યા છે.
ખેડા પોલીસ મથકે ગોબલેજ આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા અ.હે.કો વિક્રમસિંહ મોહનસિંહ અને રવિ કનુભાઈ ગોબલેજ નાયકા સહિતના વિસ્તારોમાં સમન્સ વોરંટની બજવણી કરવા નીકળ્યા હતા. તેઓ પ્રથમ ગોબલેજ થઈને બારેજા ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં સર્ટિફિકેટ લેવાના બાકી હોય તેની યાદી આપીને નવાગામ, ચલીન્દ્રા, નાયકાના વિસ્તારમાં વોરંટ સમન્સની બજવણી કરવા ગયા હતા. ત્યારે નાયકા ખાતે વોરંટની બજવણી કરવાની બાકી હોઈ નાયકા ગયા હતા. જેમાં ગામમાં આવેલ દૂધ ડેરીની સામે બંધ દુકાના ઓટલા પર જાહેરમા જુગાર રમાતો હોવાથી બંન્ને પોલીસ કર્મચારીઓ તે તરફ ગયા હતા. જેમાં જુગારીઓ ભાગવા જતાં પોલીસે બાઘા ઉર્ફે પૃથ્વી ભીખા પરમારને ઝડપી પાડીને લઈ જતા હતા.
ઝડપાયેલ ઈસમે પોલીસને જણાવ્યું કે પોલીસ દરરોજ અમારા નાયકામાં આવીને જુગારની રેઈડો કરે છે. તેમ કહીને છટકવાનો પ્રયાસ કરીને પોલીસ સાથે ઝપાઝપી કરીને પોલીસની ફરજમાં અડચણ ઉભી કરતો હતો. તેવામાં પ્રવીણ ઉર્ફે જગો ભીખા પરમાર તેના હાથમાં ડંડો લઈ આવીને વિક્રમસિંહને માથાના ભાગે પાછળથી જોરથી ફટકો મારતા તે અચાનક જમીન પર નીચે ઢળી પડયા હતા. માથાના ભાગમાંથી ખૂબ લોહી નીકળતું હતું. જેથી તેમની સાથે આવેલ પોલીસ કર્મીએ પોલીસ મથકના સિનિયર પીએસઆઈ સહિત સ્ટાફના માણસોને બનાવની જાણ કરી હતી. પોલીસે જુગારના સ્થળેથી ઝડપેલ શખ્સ, પોલીસને માથાના ભાગે ડંડો મારનાર બંન્ને શખ્સો ત્યાંથી દોટ મૂકીને ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને ચરોતર હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર માટે દાખલ કરાયા હતા. આ બનાવ અંગે ખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.