હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના અમુક વિસ્તારમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારે અરવલ્લી, પંચમહાલ અને વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજથી ચાર દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે રાજ્યના અમુક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડાસા, ઈસરોલ સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે મોડાસામાં વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા હતા. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. માવઠું થાય તો ઉનાળુ વાવેતરને નુકશાન થઇ શકે છે. ખેડૂતોએ પાણીવાળા વિસ્તારોમાં ઉનાળુ વાવેતરમાં શાકભાજી, ઘાસચારાનું વાવેતર કર્યું છે, જેને નુકસાન પહોંચી શકે છે.
વડોદરામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. અહીં વહેલી સવારે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે.
રાજ્યના હવામાનમાં વારંવાર પલટો આવી રહ્યો છે. ગુજરાતમાં ક્યારેક ગરમી તો ક્યારેક માવઠું થઇ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી (Gujarat Weather Forcast) સામે આવી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ચાર દિવસ ખેડૂતો માટે ભારે છે. ચાર દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જ્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ, નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને કારણે ફરીથી ખેડૂતોનાં માથે સંકટ તોળાઇ રહ્યું છે.
પંચમહાલમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટા છવાયા છાંટા વરસ્યા છે. માવઠા જેવી સ્થિતિથી ખેડૂતો અને માંગલિક પ્રસંગના આયોજકો ચિંતામાં મૂકાયા છે. વહેલી સવારથી જ જિલ્લામાં ઠેર-ઠેર ધુળિયું અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સૂર્યનારાયણ પણ વાદળો સાથે સંતાકૂકડી રમતા હોય એવા દ્રશ્યો વહેલી સવારથી જોવા મળી રહ્યા હતા.
ગુજરાતીઓ ચાર દિવસ બેફામ માવઠા માટે થઈ જાઓ તૈયાર, વીજળીના કડાકા-ભડાકા સાથે આ વિસ્તારમાં ખાબકશે મેઘો
અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યુ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું થઇ શકે છે. આવતીકાલથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને નર્મદામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ માવઠાની આગાહી માવઠાને કારણે તાપમાનમાં ઘટાડો થશે. બીજી બાજુ, અમદાવાદમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.