ખેડા જિલ્લા અને ઠાસરા તાલુકા પુરવઠા તંત્રની ઘોર બેદરકારી અને મિલી ભગતને કારણે તાલુકાભરના અનેક દુકાનદારો સસ્તા અનાજનો જથ્થો અને કેરોસીનના પુરવઠાને બારોબાર કાળાબજારમાં વેચી રહ્યા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.ડાકોરના કેટલાક દુકાનદારો નિયમિત દુકાન ખોલતા નથી,જેને કારણે સસ્તા અનાજનો જથ્થો લાભાર્થી ગ્રાહકો સુધી પહોચતો નથી અને સીધો વગે કરી દેવામાં આવતો હોવાની ફરીયાદો વખતોવખત ઉઠતી રહી છે.ડાકોર પાલિકામાં વગ ધરાવતા દુકાનદારો સામે બોલનારા કાર્ડ ધારકોને અન્ય પજવણી કરીને ચૂપ કરી દેવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓ પણ થતી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા ગરીબોને અન્નનો દાણો પહોંચે તે માટે અથાગ પરિશ્રમ કરવામાં આવી રહ્યો છે.ઓનલાઇન ખરીદી શરૂ કરાવી કાર્ડ ધારકોને પૂરેપૂરો પુરવઠો મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે.જોકે કેટલાક બની બેઠેલા વગદાર દુકાનદારો દ્વારા કાર્ડ ધારકોને અંગૂઠો મુકાવ્યા પછી પણ પૂરતો જથ્થો આવ્યો નથી તેમ કહીને ઓછો પુરવઠો આપી રહ્યા છે જ્યારે કેરોસીન સહિતનો જથ્થો આપવાને બદલે બારોબાર વધારે ભાવમાં વેચી મારતા હોવાની જાણકારી પણ બહાર આવી રહી છે.
ડાકોર સહિત ઠાસરા તાલુકાના સસ્તા અનાજના અનેક દુકાનદારો ગેરરીતિ કરતા હોવાછતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી અને આંખ આડા કાન કરીને છૂટ આપવામાં આવતી હોય તેમ જોવા મળે છે.જેને પગલે ખેડા જિલ્લા કલેકટર, પુરવઠા અધિકારી તેમજ તાલુકાના અધિકારીઓ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરીને સ્ટોક પત્રક સહિતની તપાસ હાથ ધરવામાં આવે તો ડાકોર સહિત ઠાસરા તાલુકાના અનેક સસ્તા અનાજના દુકાનદારોના ભ્રષ્ટાચાર સામે આવી શકે છે.જો કે આ કાર્યવાહી કરવાની કોઈ ઈચ્છાશક્તિ જિલ્લા કે તાલુકા તંત્રમાં નહિ હોવાને કારણે કેટલાક દુકાનદારો બેફામ બનીને કાળાબજારમાં લિપ્ત થઈ ગયા હોવાનું જોવા મળે છે.ત્યારે જિલ્લા કલેકટર દ્વારા કડક આદેશ કરવામાં આવે તો લાભાર્થી કાર્ડ ધારકો સુધી સરકાર દ્વારા આપવામાં આવતો પુરવઠો પહોંચી શકે અને ભ્રષ્ટાચારી દુકાનદારો સામે કાર્યવાહી કરીને તેમના લાયસન્સ રદ્દ કરવામાં આવે તો સમગ્ર જિલ્લામાં તેનો દાખલો બેસી શકે તેમ જોવા મળે છે