સમાજમાં લોહીના સંબંધ ધરાવતી નરાધમ વ્યક્તિઓએ પોતાના જ લોહીને અનેક વખત આભળ્યું હોવાના અનેક બનાવો સામે આવ્યાં છે. છોટી કાશી તરીકે ઓળખાતું જામનગર પણ ભૂતકાળમાં આવા જ અસામાજિક કિસ્સાઓની ગવાહી પૂરી રહ્યું છે, ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. જામનગરમાં નરાધમ પિતાએ ૧૫ વર્ષની સગીર માસુમ પુત્રીને પોતાના હવસનો શિકાર બનાવી અનેક વખત દુષ્કર્મ ગુજારી, પુત્રીને ગર્ભવતી બનાવી દેતા સનસનાટી મચી ગઇ છે. આ બનાવ સામે આવતા શહેરભરમાં નરાધમ પિતા પ્રત્યે લોકોએ ફિટકારની લાગણી વરસાવી છે. તો બીજી તરફ પોલીસે નરાધમ પિતાની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના સીટી બી ડિવિઝન વિસ્તારમાં આવતા બેડેશ્વર બેડી વિસ્તારમાંથી આ બનાવ સામે આવ્યો છે. જેમાં જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતો અને મજૂરીનો વ્યવસાય કરતો ૪૪ વર્ષની ઉંમરનો નરાધમ પિતા અયુબ અલીભાઈ દલ એ પોતાની વાસના સંતોષવા માટે પોતાની જ માસુમ પુત્રીને શિકાર બનાવી છે. અનેક વખત પાપાચાર આચરીને પિતાએ માસુમ પુત્રીને ગર્ભવતી બનાવી દીધી હતી. પરિવારમાંથી આ બનાવ સમાજમાં આવ્યો હતો અને સમાજમાંથી આ બનાવ પોલીસ દફતર સુધી પહોંચ્યો છે. જેને લઈને સીટી બી ડિવિઝન પોલીસ દફતરનો સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો અને માસુમ બાળકીનો કબજાે સંભાળ્યો હતો. તો નરાધમ પિતાની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે નરાધમ પિતા અયુબ દલ સામે બળાત્કાર તેમજ પોકસો એક્ટ મુજબ ફરિયાદ નોંઘી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.