છેલ્લા 7 દિવસથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ચાલુ છે. જોકે, ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા અને કોડીનાર શહેરમાં મંગળવારે મોડી રાત્રે વાદળ ફાટ્યું હતું. આશરે 6 કલાકમાં સુત્રાપાડામાં 12 ઈંચ, કોડીનારમાં 9 અને વેરાવળ-સોમનાથમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે બંને શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાહતની વાત એ છે કે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. મુશળધાર વરસાદને કારણે ગીર-સોમનાથના જંગલમાંથી વહેતી સોમત નદીમાં ગાબડું પડ્યું છે. નદીના પાણીએ ગીર-સોમનાથ જિલ્લાના ડઝનેક ગામોને લપેટમાં લીધા છે. આ ઉપરાંત કોડીનાર અને પેઢવાડાને જોડતો નેશનલ હાઈવે પણ પૂરની ઝપેટમાં છે. જેના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
સુત્રાપાડામાં બપોરે 2.30 વાગ્યાથી મુશળધાર વરસાદ શરૂ થયો હતો જે સવારે 8 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને લોકોને પોતાનો સામાન બચાવવા માટે આખી રાત જહેમત ઉઠાવવી પડી હતી. દ્વારકાના દરિયાકાંઠાના ગામો, માલાશ્રમ સહિતના ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે. સુત્રાપાડાથી ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાહનવ્યવહાર બંધ થવાને કારણે લોકો બંને તરફ ફસાયા છે. બચાવ ટુકડીઓ ગામડાઓમાં પહોંચી ગઈ છે અને લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ મીડિયાને જણાવ્યું કે આગામી 5 દિવસમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે. તેમણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરી છે. હાલમાં પશ્ચિમ બંગાળ ઉપર લો પ્રેશર સર્જાયું છે, જે મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આવી રહ્યું છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, માછીમારોને પણ દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજુ ચોમાસું સક્રિય થયું નથી, જેના કારણે અનેક જળાશયોની જળસપાટી સતત ઘટવા લાગી છે. રાજ્યના 83 જળાશયોમાં 10 ટકાથી ઓછું જળસ્તર છે. જ્યારે 10 જળાશયો હજુ ખાલી છે. 4 જુલાઇ સુધી 207 જળાશયોમાં પાણીની સપાટી 37.15 ટકા હતી. બીજી તરફ સરદાર સરોવરમાં હાલમાં 43.29 ટકા જળસ્તર છે. પ્રદેશ પ્રમાણે, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 12.42 ટકા, મધ્ય ગુજરાતમાં 30.57 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 42.27 ટકા, કચ્છના 20 જળાશયોમાં 18.21 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 24.41 ટકા છે. આ સિવાય 203 જળાશયોની જળ સપાટી 70 ટકાથી ઓછી છે.
જો ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં સિઝનના કુલ વરસાદના 12.58 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનના કુલ વરસાદના 10.86 ટકા વરસાદ થયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સીઝનનો કુલ 10.54 ટકા છે. સૌરાષ્ટ્રમાં કુલ વરસાદ 18.85 ટકા નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 21.03 ટકા વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 16.44 ટકા અને સરેરાશ 139.73 મિ.મી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકાઓમાં વરસાદ થયો છે. મંગળવારે સવારે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી 44 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.