પાલનપુર: ઉનાળાની અસહ્ય ગરમીમાં પક્ષીઓની તરસ છીપાવવા અને ચણ નાખવા માટે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા દર વર્ષે નિઃશુલ્ક પાણીના કુંડા, બર્ડ ફિડર અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત આજે પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલ અને બનાસકાંઠા જિલ્લાના સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે પક્ષીઓ માટે પાણીના કુંડા- ૫૦૦, બર્ડ ફિડર- ૧૭૦૦ અને ચકલી ઘર- ૫૦૦૦ નું વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે કલેકટરશ્રી આનંદ પટેલે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કરવામાં આવતા જીવદયાના કાર્યોને બિરદાવતાં જણાવ્યું કે, અબોલ પશુઓની સેવામાં સતત કાર્યરત રહેતા સેવાભાવી લોકો દ્વારા પશુ- પંખીઓની સેવા અને સંભાળ માટે ખુબ સરસ કામગીરી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, હાલ ઉનાળાની સીઝનમાં ખુબ ગરમી પડી રહી છે.
ત્યારે લોકો પોતાના ઘરની આગળ, અગાશીમાં કે ઝાડની નીચે પક્ષીઓ માટે પાણીના કુંડા મુકે, તેમને ચણ આપવા બર્ડ ફિડર લગાવે અને ચકલી ઘર મુકે જેનાથી તેમને પીવાનું પાણી, ચણ અને ગરબીમાં રહેઠાણ માટે આશરો મળી રહે. તેમણે કહ્યું કે, પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પક્ષીઓ માટે કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે ત્યારે કુંડા મેળવીને પક્ષીઓની જિંદગી બચાવવા માટે સેવાકાર્યમાં જોડાઇએ.
સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લો કરૂણા અને જીવદયાના કામો માટે હંમેશા અગ્રેસર છે. જિલ્લાના અંતરીયાળ ગામડાઓમાં અબોલ પશુઓ માટે પાણીના હવાડા, પક્ષીઓ માટે ઘેર ઘેર પાણીના કુંડા રાખી તેમા નિયમિત પાણી ભરીને પક્ષીઓની તરસ છીપાવી જીવદયાનું સુંદર કામ કરે છે તેમને બિરદાવું છું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સેક્રેટરી શ્રી ર્ડા. ગણેશભાઇ પટેલ, સભ્યો શ્રી ચિનુભાઇ શાહ, શ્રી હરેશભાઇ ભાટીયા સહિત આગેવાનો અને સારી સંખ્યામાં જીવદયાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.