ભાવનગરના તળાજા તાલુકાના સરતાનપર ગામે પત્નીએ પતિની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘર કંકાસમાં પત્નીના ક્રોધની પરાકાષ્ઠાએ હદ વટાવી અને અડધીરાત્રે નિંદાધીન પતિની ઘાતકી હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે હત્યારણ મહિલાની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
\મળતી માહિતી અનુસાર તળાજાના સરતાનપર ગામે ગરાહ વિસ્તારમાં રહેતા સવજીભાઈ બારૈયા (૪૫) નામના આધેડ બપોરે ઝાડ નીચે ખાટલા પર સૂતા હતા ત્યારે તેમની પત્ની મધુબેનના માળે જાણે કાળ સવાય હોય નિંદ્રાધિન પતિને પહેલા દોરડાથી બાંધી દીધો અને બાદમાં તેની ક્રૂરતાપૂર્વ હત્યા કરી નાખી હતી. કમકમાટી મચાવનારી આ ઘટના સમયે બૂમાબૂમ થતાં ગ્રામજનો પણ દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી ખૂબ જ મોડું થઈ ગયું હતું.
સમગ્ર મામલે ગામના સરપંચે પોલીસને જાણ કરતા કાફલો દોડી આવ્યો હતો અને હત્યા કરનારી પત્નીની ધરપકડ કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની તપાાસ હાત ધરી હતી. હત્યાના કારણમાં બંને દંપતી વચ્ચે અવાર-નવાર ઝઘડાની દાઝ રાખી પતિને મારી નાખ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ મામલે સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે, મૃતક સવજી અગાઉ ગામમાં જ ઈલેક્ટ્રોનિક વસ્તુના રિપેરિંગની દુકાન ચલાવતા હતા અને ખેતમજૂરી પણ કરતા હતા. પતિને મારવાની ઘટનામાં દારૂની દુષણ મુખ્ય કારણ હોવાનું કારણ ચર્ચાઈ રહ્યું છે. ગ્રામજનોમાં થતી ચર્ચા મુજબ મૃતક દારૂના રવાડે ચડ્યો હોવાથી નશામાં રહેતો અને પત્ની સાથે મારઝૂડ પણ કરતો હતો. જેના કારણે મહિલાએ કાંડ કર્યો હોય તેવી ચર્ચા થઈ રહી છે.