ગુજરાત રોજગારી આપવામાં દેશમાં અવ્વલ છે તેવા દાવા અત્યાર સુધી ગુજરાત સરકાર દ્વારા કરાતા હતા. ત્યારે આ દાવાને પોકળ સાબિત કરતા આંકડા સામે આવ્યા છે. વિધાનસભા ગૃહમાં ખુદ સરકાર દ્વારા આ આંકડા આપવામાં આવ્યા છે કે, રાજ્યમાં ૩.૪૬ લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે. જેમાં ૧૭૮૧૬ અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા છે. રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં બેરોજગારો હોવા છતા સરકારી નોકરીની ખાલી જગ્યાઓ ભરવામાં પણ સરકારને કોઈ રસ નથી.
છેલ્લા ૨ વર્ષ માં માત્ર ૧૨૭૮ બેરોજગારોને સરકારી નોકરી મળી છે. ભરૂચ, નર્મદા, તાપી સહિત ૧૬ જિલ્લામાં એક પણ સરકારી નોકરી મળી નથી. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સંકલિત પ્રશ્નોમાં સરકાર દ્વારા લેખિત જવાબ અપાયો હતો. જેમાં ગુજરાતમાં બેરોજગારોનો મોટો આંકડો સામે આવ્યો છે. સરકારે ગૃહમાં સ્વીકાર્યુ કે, રાજ્યમાં ૩.૪૬ લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે. જેમાં ૧૭૮૧૬ અર્ધ શિક્ષિત બેરોજગારો છે. સૌથી વધુ બેરોજગારો વડોદરા જિલ્લામાં ૨૬,૯૨૧ હજાર લોકો છે.
તો અમદાવાદ જિલ્લામાં ૨૬,૬૨૮, આણંદ જિલ્લામાં ૨૨,૫૧૫ અને રાજકોટ જિલ્લામાં ૧૮૯૭૭ હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. તો બીજી તરફ, લાખો યુવાનોને નોકરી આપવાના રાજ્ય સરકારના દાવાઓ પોકળ સાબિત થયાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ગુજરાતમાં સાત વર્ષમાં આઠ કરોડ લોકો બેરોજગાર બન્યા હોવાના આરોપ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે લગાવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરી હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતના બજેટમાં ક્યાંય નવી રોજગારી ઉભી કરવાની વાત નથી કરવામાં આવી.
ખાલી જગ્યા પર ભરતી કરવાની વાત ક્યાંય નથી કરવામાં આવી. આ સાથે કોંગ્રેસના કાર્યકારી
પ્રમુખે એવા પણ આરોપ કર્યા કે, રાજ્યમાં લાખો લોકો બેરોજગાર છે. જાે કે, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખના આ આક્ષેપોનો સરકાર વતી શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યો. જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને ચૂંટણી નજીક આવે એટલે જ બેરોજગારી અને યુવાનો યાદ આવે છે.
બીજી તરફ, સ્થાનિકોને ગુજરાતમાં રોજગાર આપવા મામલે મોટી કંપનીઓએ નિયમોનો ભંગ કર્યાનો પણ સરકારે વિધાનસભામાં સ્વીકાર કર્યો છે. સરકારી આંકડા મુજબ, અમદાવાદ શહેર-જિલ્લામાં છેલ્લા ૨ વર્ષ માં ૩.૫૦ લાખથી વધુ સ્થાનિકોને રોજગારી મળી છે. વર્ષ ૨૦૨૦માં ૧,૭૮,૭૭૩ સ્થાનિકોને રોજગારી અપાઈ છે. વર્ષ ૨૦૨૧માં ૧,૯૭,૩૦૨ સ્થાનિકોને રોજગારી અપાઈ છે. પરંતુ વર્ષ ૨૦૨૦ માં ૧૬ એકમોએ સ્થાનિકોને રોજગારી આપવાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. વર્ષ ૨૦૨૧ માં ૧૮ એકમોએ આ નિયમોનો ભંગ કર્યો છે.
જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, સુઝુકી મોટર, ફોર્ડ ઈન્ડિયા, ટાટા મોટર્સ, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવા મોટા એકમોનો સમાવેશ થાય છે. સરકારના શ્રમ રોજગાર વિભાગે આવા એકમોને પત્ર પાઠવી નિયમોના અમલ માટે જાણ કરી છે. રોજગાર ભરતી મેળા યોજી વધુ રોજગાર આપવા પ્રયાસ કર્યા છે. આવા એકમો સામે કાર્યવાહી કરવા ઉદ્યોગ કમિશનર કચેરીને જાણ કરવામાં આવ્યાનો સરકારે લેખિત જવાબ આપ્યો છે.
એક તરફ બેરોજગારીનો આંકડો આપીને રાજ્ય સરકાર ખુદ સ્વીકારી રહી છે કે, ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવામાં પણ સરકારને કોઈ રસ નથી. રાજ્યમાં માર્ગ મકાન વિભાગની જિલ્લા કચેરીઓમાં ૫૦ % કરતા વધુ જગ્યાઓ ખાલી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો. સાથે જ વર્ગ-૧ ની ૨૦, વર્ગ-૨ ની ૫૦૩, વર્ગ-૩ ની ૨૮૮૨ અને વર્ગ-૪ ની ૫૭૧ જગ્યાઓ ખાલી પડી છે.
માર્ગ મકાન વિભાગની જિલ્લા કચેરીઓમાં ૩૬૭૫ જગ્યાઓ ભરાયેલી છે, જેની સામે ૩૯૭૬ જેટલી જગ્યાઓ ખાલી છે. માત્ર અડધા સ્ટાફથી ચાલતી કચેરીઓ માર્ગ મકાનના કામો કેટલી ઝડપથી અને કેવા કરતી હશે તેવો સવાલ કોંગ્રેસે ગૃહમાં ઉઠાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. જેમાં ખુદ સરકારના દાવાની પોલ ખૂલી છે.