મમતા હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ફોર મધર એન્ડ ચાઇલ્ડના સહયોગથી પાલનપુર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ટી.બી. ચેમ્પિયન્સનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું. બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ટી.બી.ના રોગથી સાજા થયેલ દર્દીઓને “ટી. બી. ચેમ્પિયન” તરીકે પ્રસ્થાપિત કરી સમાજમાં ટી.બી.અંગે જનજાગૃતિ ફેલાવવા, ટી.બી.ના દર્દીઓ પ્રત્યેનો ભેદભાવ દૂર કરવા તથા ટી.બી.ના દર્દીઓ નિયમિત સારવાર લે તે માટેનું આયોજન કરવા અને જરૂરી તાલીમ આપવા સારુ મમતા હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ફોર મધર એન્ડ ચાઇલ્ડ અને રાજ્યના ટી.બી. વિભાગના સહયોગથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.એસ.એન.દેવના અધ્યક્ષસ્થાને ત્રિદિવસીય તાલીમનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના ૧૮ અને મહેસાણા જિલ્લાના ૧૨ જેટલાં ટી. બી. ચેમ્પિયનનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ. આ તાલીમમાં સ્ટેટ ટી.બી. ઓફિસર ડો. એસ.કે.મકવાણાએ ઇન્ટરનેટના માધ્યમથી ટી.બી. ચેમ્પિયનને શુભેચ્છા સંદેશ પાઠવી ઉત્સાહ વધાર્યો હતો.
આ તાલીમ શિબિરના સમાપન સમારોહમાં આર.સી.એચ.ઓ. ડો. જીગ્નેશ હરીયાણીએ જણાવ્યું કે, લોકોએ ટી.બી.ના રોગથી ડરવાની જરૂર નથી, યોગ્ય સારવાર અને નિયમિત દવા લેવાથી ટી.બી. સંપૂર્ણ મટી જાય છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-૨૦૨૫ સુધીમાં ભારતને ટી. બી. મુક્ત બનાવવાનું આહવાન કર્યુ છે. ત્યારે લોકોમાં જાગૃતિ લાવવાના આશયથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યુ કે, ભૂતકાળમાં ટી.બી.ના રોગને ખુબ જ ભયંકર રોગ માનવામાં આવતો હતો. ટી.બી.ના દર્દીઓ પ્રત્યે લોકો સૂગ રાખી તેમની સાથે અંતર રાખતા હતા. હવે ટી. બી. એક સામાન્ય બિમારી ગણાય છે. નિયમિત દવાઓ લેવામાં આવે તો ટી. બી. જડમૂળથી મટી શકે છે. તેમણે ટી.બી. સામે જંગ જીતનારા ચેમ્પિયનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, આપણા ગામ કે શહેર, તાલુકા અને જિલ્લાને ટી.બી. મુક્ત બનાવી ટી.બી. મુક્ત રાષ્ટ્ર બનાવવામાં સહભાગી બનીએ.
જેમાં ટી.બી. ચેમ્પિયન્સ દ્વારા સમાજમાં ટી.બી.ના દર્દીઓ પ્રત્યેની સામાજિક સ્ટીગ્મા દૂર કરવા, સારવારમાં સહાય તથા ટી.બી. રોગ અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ટી.બી.ને હરાવનાર એક તાલીમાર્થી બહેને પોતાનો અનુભવ જણાવતાં કહ્યું કે, ભૂતકાળમાં હું પણ ટી.બી.ની દર્દી હતી. પરંતુ ટી.બી.ની નિયમિત સારવારથી આજે સંપૂર્ણ સ્વસ્થ્ય થઇ ગઇ છું. તેવી જ રીતે એક ભાઇએ પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું કે, હું પણ ટી.બી. ચેમ્પિયન છું. મે ક્ષયની સંપૂર્ણ સારવાર અને નિયમિત દવાઓ લઇ ટી.બી.ના રોગને જડમૂળથી ભગાડ્યો છે.
આ રોગથી કોઇએ ગભરાવવાની બિલકુલ જરૂર નથી. ટી.બી.ની દવાઓનો કોર્ષ પુરો કરીને આ રોગથી કાયમી છૂટકારો મેળવી શકાય છે. આ તાલીમમાં ર્ડા. આલોકસિંઘ, જસ્મીન સાડીવાલા, જિલ્લા ક્ષય અધિકારી ર્ડા. નયન મકવાણ, ડિસ્ટ્રીક્ટ કોમ્યુનિટી કો-ઓર્ડીનેટર ર્ડા. કમલેશ ગોહિલ સહિત આરોગ્ય કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.