આશુતોષ મહેતા, વિરમગામ: ગુજરાત સરકારે 12 જાન્યુઆરી 1973ના રોજ કચ્છના નાના રણ વિસ્તારને ઘૂડખરનું અભયસ્થાન વિસ્તાર ઘોષિત કર્યો હતો. જ્યારે સને 1978માં કચ્છના મોટા રણનો થોડો ભાગ ઉમેરીને કુલ 4953.71 ચો.કિ.મી.વિસ્તાર રણનું વિશિષ્ટ પ્રાણી ઘૂડખર હોઇ ઘૂડખર અભયારણ્યના નામે રક્ષિત કરવામાં આવ્યું હતુ.
રણની આગવી વિશિષ્ટતા ગણાતા અને રણનો પવનવેગી દોડવીર જાદુગર ગણાતા ઘૂડખરની ઉંચાઇ સામાન્યત: 110થી 120 સે.મી. અને લંબાઇ 210 સે.મી.હોય છે. જ્યારે એનું વજન 200થી 250 કિ.ગ્રા. અને આયુષ્ય 20 વર્ષનું હોય છે. 50થી 60 કિ.મી.ના ઝડપે દોડતા આ ઘૂડખરને વેરાન રણમાં દોડતું જોવુ એ જ જીવનના એક લ્હાવા સમાન છે.
હાલ રાજ્યમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને કાળઝાળ ગરમી પણ પડી રહી છે. ત્યારે પશુ પક્ષી તેમજ પ્રાણીઓની શું દશા થતી હશે. ત્યારે કચ્છના નાનું રણ જેનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર જેટલો છે. આ વિસ્તારમાં ગરમીનો પારો અંદાજીત 43થી 48 ડીગ્રીની આસપાસ હોય છે.
ત્યારે આ વિકટ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નિલગાય, ઘુડખર સહિતના સસ્તન પ્રાણીઓ તેમજ પક્ષીઓ માટે પણ ઘુડખર અભ્યારણ દ્વારા રણની અંદર આવેલા અવાડાની અંદર ટેન્કર દ્વારા પાણીથી ભરવામાં આવી રહ્યા છે.
કચ્છના નાના રણમાં ચાર રેન્જ આવેલી છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલી છે.આ વિસ્તારમાં આવેલ પશુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા દરરોજ ટેન્કર દ્વારા પાણીથી અવાડા ભરવામાં આવે છે.
આ અભયારણ્યમાં અંદાજીત 40થી વધુ અવાડા તેમજ પાણીની કુંડી ભરવામાં આવે છે. જેના કારણે રણ વિસ્તારની અંદર આવેલા વન્યજીવોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે અભયારણ્યના અધિકારીઓ ખાસ ધ્યાન રાખી રહ્યા છે. આ રણ ના વિસ્તારને પાંચ જિલ્લાની બોર્ડર લાગે છે. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી,બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે.
ઘૂડખરની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો
વર્ષ સંખ્યા ( આંકડામાં )
1946 3500
1960 2000
1963 362
1976 720
1983 1989
1990 2075
1998 2839
2004 3863
2009 4038
2014 4451
2020 6082
બોક્સ- જીલ્લા વાઇઝ ઘૂડખરના આંકડા
- સુરેન્દ્રનગર – 2034
- કચ્છ – 1244
- મોરબી – 1172
- બનાસકાંઠા – 960
- પાટણ – 653
- અમદાવાદ – 19
————
6082