રાજા રવિ વર્માને મોડર્ન ઈન્ડિયન આર્ટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમના દ્વારા લગભગ ૧૩૦ વર્ષ પહેલા બનાવવામાં આવેલા એક ચિત્રને એક હરાજી દરમિયાન ૨૧.૧૬ કરોડ રુપિયામાં વેચવામાં આવ્યું છે. આ ચિત્રની માલિકી એક સંગ્રાહકની હતી. ૬ એપ્રિલના રોજ એક નામચીન ઓક્શન હાઉસના માધ્યમથી મોડર્ન ઈન્ડિયન આર્ટ મથાળા હેઠળ તેની હરાજીનું આયોજન કરવામાં આવ્યુ હતું.
રાજા રવિ વર્માના આ ચિત્રનું નામ દ્રોપદી વસ્ત્રાહરણ છે. આ ચિત્રમાં મહાભારતના તે દ્રશ્યનું વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે દુશાસન દ્રોપદીનું ચીરહરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને કૌરવો તેમજ પાંડવો પણ ત્યાં હાજર છે. આ ચિત્ર માટે ૧૫થી ૨૦ કરોડ સુધીની બોલી લાગે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે વર્ષ ૧૮૮૮થી ૧૮૯૦ દરમિયાન રાજા રવિ વર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલા ૧૪ ચિત્રો પર અધિકાર પ્રાપ્ત કર્યો હતો અને દ્રોપદી વસ્ત્રાહરણ તેમાંથી જ એક છે. નોંધનીય છે કે વડોદરા શહેરમાં સ્થિત લક્ષ્મી વિલાસ મહેલ માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ તસવીરે એકત્રિત કરી હતી. રાજા રવિ વર્મા મહાભારત અને રામાયણના પ્રસંગોના આધારે ચિત્રો બનાવતા હતા.
તેમના આ કામનું પ્રદર્શન સૌથી પહેલા ત્રિવેન્દ્રમમાં કરવામાં આવ્યુ હતું અને પછી બરોડા રાજ્યમાં કરવામાં આવ્યુ હતું. ત્યારપછી લક્ષ્મી વિલાસ મહેલના દરબાર હોલમાંતેને સ્થાન આપવામાં આવ્યુ હતું. ઓક્શન હાઉસની વેબસાઈઠ પર જાણકારી આપવામાં આવી હતી કે આ ચિત્રો બરોડા કમિશન દ્વારા કલાકાર પાસેથી સીધા જ મેળવવામાં આવ્યા હતા.
ગાયકવાડ પરિવારના વંશજ સમરજીતસિંહ જણાવે છે કે, રાજા રવિ વર્માના ચિત્રને મોટી કિંમતે ખરીદવામાં આવ્યું છે અને કળા જગત માટે આ એક સારી નિશાની છે. કોઈ પણ સારા કામ માટે હંમેશા સારું માર્કેટ ઉપલબ્ધ હોય છે. ઉલ્લેખનીય છે કે રાજા રવિ વર્મા હિન્દુ દેવી-દેવતાઓના રંગીન નિરુપણને કારણે પણ ઓળખાય છે. તેઓ વર્ષ ૧૮૮૧-૮૨માં ચાર મહિના સુધી વડોદરામાં રહ્યા હતા. મહારાજા સયાજીરાવે મોતિબાગ મેદાન પાસે તેમના માટે એક સ્ટુડિયો તૈયાર કર્યો હતો જ્યાં તેઓ રોકાયા હતા અને કામ પણ કર્યુ હતું.