સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે મધ્ય ઝોન કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા પાલનપુર તાલુકાના ટાકરવાડા ખાતે શેઠ શ્રી એ. એમ. શાહ વિનય વિદ્યામંદિર અને શ્રીમતી આઇ. ડી. એફ ચૌધરી ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ ખાતે બનાસકાંઠા જિલ્લા સાંસદશ્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું કે, આપણો સાંસ્કૃતિક વારસો જ યોગ છે જેને ૨૦૧૪ માં આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરાવ્યો હતો. તેમણે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી જેને લીધે વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થી ભાઇઓ- બહેનો, સિનિયર સીટીઝનો અને દિવ્યાંગ રમતવીરો ભાગ લઇ રહ્યા છે.
ખેલ મહાકુંભથી પોલીસ, આર્મી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા સાંસદશ્રીએ કહ્યું કે, રમવા માટે તમે કરેલા પ્રયત્નોથી તમને મોટી સફળતા પ્રાપ્તર થવાની છે. તેમણે ઉમેર્યુ કે, છેલ્લા દોઢ- બે દાયકામાં બનાસકાંઠા જિલ્લાએ શિક્ષણ, રમત-ગમત સહિત અનેક ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નીતિઓને આભારી છે.
તેમણે રમત- ગમતમાં ભાગ લેનાર તમામ રમતવીરો અને ખેલાડીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યભની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી હિતેશભાઈ ચૌધરી, શ્રી જયંતિભાઈ શાહ, શ્રી ભૂપેન્દ્રભાઈ જુડાલ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી મુકેશભાઈ ઘોયા, સરપંચશ્રી રગજીભાઈ, બનાસકાંઠા જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખશ્રી તથા સંસ્થાના ઈન્ચાર્જ આચાર્યશ્રી હેમરાજભાઈ પવાયા, હેન્ડબોલ નોડલ ઓફિસરશ્રી અવતારસિંહ, વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, હેન્ડબોલ રમતના કોચશ્રીઓ તેમજ મધ્ય ઝોનમાંથી આવેલા ખેલાડી ભાઈઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.