ઉત્તર અને મધ્ય ભારતના લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના અનેક શહેરોમાં હીટવેવની સ્થિતિ સાથે તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસને પાર થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લોકોને ૩થી ૪ દિવસ સુધી આ વિસ્તારમાં ગરમીથી રાહત નહી મળે. કેરલમાં ચોમાસુનું આગમાન થતા લોકોને આશા હતી કે ઋતુની ૩ દિવસ પહેલા શરૂઆત થઈ ગઈ છે પરંતુ આ વખતે એવું થયુ નહોતું.
કહેવામાં આવી રહ્યું છે કે, ચોમાસાની ગતિ ધીમી પડી છે આવી સ્થિતિમાં દેશના અનેક વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે નહીં. કર્ણાટકમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસું અટકી ગયું છે. તેથી આગામી ૪-૫ દિવસ સુધી તેની ગતિ વધારો થશે નહીં. દેશના અનેક રાજ્યોમાં પ્રિ-મોન્સુન વરસાદમાં અત્યાર સુધીમાં ૯૪ ટકાનો ઘટાડો થયો છે. આ જ કારણ છે કે, ઉત્તર અને મધ્ય ભારતમાં ફરી ગરમીનું મોજું શરૂ થયું છે અને તે આગામી ૨-૩ દિવસ સુધી ચાલુ રહી શકે છે.
આ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ મધ્ય ભાગોમાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨થી ૩ દિવસ સુધી પશ્ચિમ ઉત્તર અને મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં અને ત્યારબાદ તાપમાનનો પારો ૨થી ૩ ડિગ્રી સુધી ઘટી શકે છે.