રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે આખરે ભોળી જનતા કોની પાસે જોઈને ન્યાયની માંગણી કરે. આવું જ કઈક થયું છે મોડાસમાં. મોડાસા ખાતે હાલ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની હાલમાં તૈયારી ચાલી રહી છે. એવામાં આ રાજ્યકક્ષાના ઉત્સવને સફળ બનાવવા માટે સુરક્ષાકર્મીઓ આખા ગુજરાતમાંથી મોડાસા ખાતે ભેગા થઈ ગયા છે. ત્યારે એક SRP કોન્સ્ટેબલે નશામાં ધૂત થઈ સરકારી ગાડી દ્વારા બે કિશોરને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા કરી દીધા છે.
આ કર્મચારીએ બાળકોને એવા અડફેટે લીધા કે હાલત દયનીય છે. દારુ પીને ગાડી ચલાવવા ઉપરાંત લોકો સામે દાદાગીરી પણ કરી હોવાની વાત સામે આવી રહી છે. હોસ્પિટલમાં પહોંચીને પણ કોન્સ્ટેબલે તમાશો કર્યો હોવાની વિગતો મળી રહી છે. જવાનનાં આ દૃશ્યો જોઈને દારૂબંધીના દાવાઓના લીરેલીરા ઉડી ગયા છે. મોડાસાનગરમાં એક તરફ પોલીસ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન ચાલી રહ્યું છે તો બીજી તરફ આવા જનાવો શું સાબિત કરવા માગે છે એ જ નહીં સમજાતું,
ઘટનાની વિગતે વાત કરીએ તો મૂળેટી એસઆરપી કેમ્પસમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે દારૂના નશામાં ધૂત થઈને મોડાસા કલેક્ટર કચેરી પાસે આવેલા સીએનજી પમ્પ પાસે બે કિશોરને અડફેટે લીધા હતા. બંને કિશોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બંનેને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા અને કોન્સ્ટેબલ પણ શરમ નેવે મૂકીને નશાની હાલતમાં જ સાર્વજનિક હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા બાદ પણ કોન્સ્ટેબલે હોબાળો મચાવ્યો હતો. દારૂના ફુલ નશામાં તેણે દરેક લોકો જોડે ગેરવર્તણૂક કરી હતી. કારણ પૂછતાં નશામાં ચૂર થઈને તેણે કહ્યું હતું કે લાઈટ બંધ હતી ગાડીની, એટલે અકસ્માત થયો. આવા જવાબ આપીને છટકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.