હવે થોડીક જ ક્ષણોમાં ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ-2 સરકારના મંત્રી મંડળમાં નવા ચહેરાઓના નામ સામે આવી જશે. ત્યારે આજે સવારે 16 સભ્યોના નામ નિશ્ર્ચિત થઇ ગયા હોવાનું જાહેર થતા જ અનેક સિનિયર મંત્રીઓ કે જે અગાઉની રુપાણી સરકાર તથા પટેલ-1 સરકારમાં મંત્રી તરીકે રહી ચૂક્યા છે તેઓના નામ ન જોવા મળતા જબરી ચર્ચા શરુ થઇ છે. ખાસ કરીને જે 16 નામો વાઈરલ થયા છે તેમાં સૌથી મહત્વનું રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું નામ હજુ સુધી મંત્રીપદ માટે જાહેર થયું નથી. પટેલ સરકારમાં તેઓ એક વજનદાર મઁત્રી ઉપરાંત કેબીનેટના પ્રવક્તા તરીકે પણ કામ કરતા હતા અને હજુ સુધી તેમનું નામ ન આવતા તેમના ટેકેદારોમાં જબરી નિરાશા છવાય ગઇ છે. જ્યારે બીજુ મિસીંગ નામ સુરત પૂર્વમાંથી ચૂંટાયેલા પુર્ણેશ મોદીનું છે જેઓને ભુપેન્દ્ર પટેલ સરકારમાં પહેલા માર્ગ મકાન અને અન્ય મહત્વના ખાતા અપાયા હતા પરંતુ તેમનું માર્ગ મકાન-બાંધકામ ખાતુ છીનવાઈ ગયું હતું અને ત્યારથી જ ચર્ચા હતી.
હાલમાં જીતુ વાઘાણીના વતન ભાવનગરમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યાંના લોકલ લોકો પણ તેમના કડવા અનુભવ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આ પહેલાં ભાવનગરના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો વિરોધ વધી રહ્યો હતો. અનેક ગામોમાં જીતુ વાઘાણી વિરુદ્ધ નો એન્ટ્રીના બેનર લાગ્યા હતા. લોકોએ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર ગૌચરની જમીન ચોરવાનો આરોપ મૂકી વિરોધ કર્યો હતો. બૂધેલ ગૌચર જમીન મામલા બાદ વિવાદ વધુ વકરી રહ્યો છે અને વાઘાણીનો વિરોધ થઈ રહ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ગત 2017ની ચૂંટણી પૂર્વે ભાવનગર જિલ્લાના બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગ મોરી સામે અંગત જમીન વિવાદમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ખોટા કેસ કરાવ્યા હોવાના આક્રોશ સાથે રાજ્યભરના રાજપૂત સમાજે ભાજપ સામે રણશીંગુ ફૂંક્યું હતુ. જેમાં જીતુ વાઘાણીના ફોર્મ ભરવાના દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં દાનસંગભાઈ સામેના તમામ કેસ પાછા ખેંચી લેવાની ખાતરી આપીને રાજપૂત સમાજ સાથે સમાધાન કરાયુ હતુ. પરંતુ ત્યારબાદ એક પણ કેસ પાછો નહીં ખેંચાતા આજે રવિવારે બુધેલ ગામે સમસ્ત રાજપૂત સમાજના રાજ્યભરના ૩પ૦ આગેવાનો એકઠા થયા હતા અને જો એક માસમાં દાનસંગભાઈ સામેના તમામ કેસ પરત ખેંચવામાં નહીં આવે તો ભાજપને લોકસભાની ઓછામાં ઓછી 10 બેઠક પર હરાવવા નિર્ધાર કરાયો હતો. આ અંગે બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગભાઈ મોરીએ જણાવ્યું હતુ કે, મારી સામેના તમામ ખોટા કેસ પરત ખેંચી લેવાનો કરાયેલો વાયદો રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી ભૂલી ગયા છે. ચૂંટણી સમયે હાર ભાળી ગયેલા ભાજપે રાજપૂત સમાજનો રોષ ખાળવા ખોટા વાયદા આપી પાછળથી દ્રોહ કર્યો છે.
જીતુ વઘાણીને મંત્રી પદ ન મળવાના પણ અનેક કારણો સામે આવી રહ્યા છે, તેમનો અહંકાર અને અભિમાન આખા રાજ્યમાં જાણીતો છે. જે જે લોકો પણ ગાંધીનગરમાં તેમની પાસે ફરિયાદ લઈને ગયા તેઓ જીતુ વાઘાણીની ખરાબ છબિની જ વાતો કરે છે. તેમજ રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના નિવેદનને લઈને અવાર નવાર વિરોધના સુર ઉભા થયા છે. સુરતના યુવા છાત્ર સંઘર્ષ સમિતિ દ્વારા તો વળી અનેક સરકારી શિક્ષકોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યમાં યોગ્ય શિક્ષણ વ્યવસ્થાને પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ રહેલી સરકાર ખોટા નિવેદનો આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત ન થઈ શકે તે પ્રકારના સુત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ ‘શિક્ષણમંત્રી રાજીનામુ આપે’ના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિદ્યાર્થીઓનું તો ત્યાં સુધી કહેવું હતું કે શિક્ષણમંત્રી હોવા છતાં જે પ્રકારના નિવેદનો જીતુ વાઘાણી આપી રહ્યા છે. તેને લઈને સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળે છે. વિદ્યાર્થીઓ કહ્યું કે તેઓ પોતે જ પોતાના રાજ્યના શિક્ષણ અંગે આ પ્રકારની વાત કરવી એ યોગ્ય નથી. જીતુ વાઘાણી પોતે શિક્ષણને નકારી રહ્યા છે. કદાચ તેમનો પુત્ર જ પરીક્ષામાં કાપલી સાથે ઝડપાઇ ગયો હતો. આ પ્રકારની વાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. યુવા છાત્ર સંઘર્ષ સમિતિના મહામંત્રી વિવેક પટોડીયાએ જણાવ્યું કે જીતુ વાઘાણી અને રાજ્ય સરકારનું અભિમાન કેટલી હદે છે તે છેલ્લા કેટલાક દિવસોથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. પોતાના રાજ્યમાં યોગ્ય શિક્ષણ વ્યવસ્થા ન આપી શકનારા શિક્ષણમંત્રી સલાહ આપી રહ્યા છે કે અન્ય સ્થળે જઈને શિક્ષા મેળવો. આ પ્રકારનું નિવેદન એ બતાવે છે કે તેઓ પોતે શિક્ષણને લઈને કેટલા ઉદાસીન છે. જે તે સમયે સોશિયલ મીડિયામાં જે પ્રકારે હેશટેગ કોણ જીતુ વાઘાણી ટ્રન્ડ કરી રહ્યું હતું. જે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ને બતાવે છે કે યુવાનોમાં કેટલો રોષ હતો.
જેમ તેમ બોલવાના કારણે પણ અનેક વિરોધ થયા છે. એક વખત તો જીતુ વાઘાણી શબ્દો પાછા નહીં ખેંચે તો આગામી ચૂંટણીમાં તેનો વિરોધ કરવાની વાતો પણ સામે આવી હતી. એ સમયે કરણી સેનાના પ્રમુખ જે.પી. જાડેજાએ આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના સમર્થમાં નિવેદન આપતાં કહ્યું હતું કે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું જે નિવેદન આવ્યું છે તે ખુબ જ દુખદ છે. સાપ ગળી ગયા હતા કે ઝેર પી ગયા હતા તેવા શબ્દો એક શિક્ષણમંત્રી બોલે તે નિંદનીય છે અને ક્યાંય ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં એક ક્ષત્રિય યુવાન જ્યારે ભ્રષ્ટાચાર સામે લડતો હોય ત્યારે શિક્ષણમંત્રી જો આવું નિવેદન આપતા હોય તો મારે તમને કહેવાનું છે કે ભાઈ જીતુભાઈ આપના શબ્દોને હું વખોડી કાઢું છું. તમે તમારા શબ્દો પાછા ખેંચો. કારણે કે જ્યારે એક યુવાન ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા નીકળ્યો છે ત્યારે તમારે તેનું સન્માન કરવું જોઇએ. તમે પુરવાની વાત કરો છો, પણ તે તો ફરિયાદ કરે છે. પુરાવા તમારે આપવાના હોય. સરકારના અધિકારીઓને આપવાના હોય. જો તમે તમારું નિવેદન પાછું નહીં ખેંચો તો તેનું પરિણામ આવનારી ચૂંટણીમાં ભોગવવું પડશે. જો કે હવે એના એંધાણ પણ જોવા મળી રહ્યા છે.