ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ સત્તાવાર રીતે ભાજપમાં જાેડાયા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. અશ્વિન કોટવાલે જણાવ્યું કે, તેઓ ૨૦૦૭માં જ ભાજપમાં જાેડાવાના હતા. તેમણે આગળ કહ્યું કે, હું કોંગ્રેસમાં ૩-૩ વાર ચૂંટાયો છું પરંતું નરેન્દ્ર મોદી મારા દિલમાં વસેલા છે.
રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ પક્ષપલટો વધી રહ્યો છે. વિધાન સભાની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતના આદિવાસી પંથકમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. એક સાંધેને તેર તૂટે જેવી સ્થિતિ કોંગ્રેસમાં જાેવા મળી છે. સાંબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા અનામત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે.
તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યને રાજીનામુ સોંપ્યું છે અને આજે તેઓ ભાજપમાં સત્તાવાર રીતે જાેડાયા છે. ઘણા સમયથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કોટવાલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાશે. અશ્વિન કોટવાલ ૨૫૦૦થી વધુ આગેવાનો અને સમર્થકો સાથે ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. ત્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અશ્વિન કોટવાલને કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું છે.
આ પ્રસંગે સાબરકાંઠાના સાંસદ, ધારાસભ્યો અને સ્થાનિક ભાજપના પદાધિકારીઓ પણ કમલમમાં હાજર રહ્યા હતા. મહત્વની વાત એ છે કે, ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. યુવા નેતા અશ્વિન કોટવાલનો ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર પંથકમાં દબદબો છે. અશ્વિન કોટવાલે બે ટર્મથી જંગી લીડથી ભાજપના રમીલા બારાને હરાવી ચૂંટણીમાં જીત મેળવી હતી. અશ્વિન કોટવાલે ૨૦૧૨માં ૫૦ હજારથી વધુ મતે વિધાનસભાની સામાન્ય ચૂંટણી જીતી હતી. કોટવાલે રાજકીય શરૂઆત ૨૦૦૫માં સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડીને કરી હતી.