મોરબીમાં મચ્છુ નદી પર આવેલો કેબલ બ્રિજની 100 લોકોની ક્ષમતા હતી અને પુલ પર 300-400 લોકો આવી જતા પૂલ તુટી પડ્યો હતો. આ ઘટનામા 300-400 લોકો નદીમાં પડી ગયા. કેટલાક લોકોએ બ્રિજના બાકીના ભાગને અને કેટલાક લોકોએ દોરડા પર લટકાવવાનો પ્રયાસ કર્યો. તેમાંથી કેટલાક તો પોતાનો જીવ બચાવવામાં પણ સફળ થયા. જ્યારે આ અકસ્માતમાં 141 લોકોના મોત થયા છે. હવે આ મામલે માતા-પિતા ગુમાવનાર બાળકોને લઈને મોટા સમાચાર આવ્યા છે.
અકસ્માતમાં 141 લોકોના મોત
મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામા માતા-પિતા ગુમાવનાર બાળકોને મદદ માટે અનેક સંસ્થાઓ તેમજ સ્કૂલો આગળ આવી છે. 20 ભૂલકાઓએ માતા-પિતા અથવા બેમાંથી એકને ગુમાવ્યા છે. આ દુર્ઘટનામા અમદાવાદની એક નાનકડી 4 વર્ષની બાળકીએ પણ માતા પિતા ગુમાવ્યા. હવે આ દીકરીની મદદ માટે અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી આગળ આવ્યા છે અને સ્કૂલોને સહાય કરવા માટે અપીલ કરી છે. આ બાદ અમદાવાદની 74 સ્કૂલોએ રૂ.3.13 લાખની સહાય બાળકીને કરી છે.
અમદાવાદની 4 વર્ષની બાળકીને મદદ
આ સિવાય અદાણી ફાઉન્ડેશન પણ આવા બાળકોના ભવિષ્ય માટે આગળ આવ્યુ છે. આ 20 ભૂલકાઓ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા રૂ.5 કરોડની મદદની જાહેરાત કરવામાં આવી હતી.
આ સાથે દુર્ઘટનામાં 7 બાળકો એવા છે જેને માતા અને પિતા બંનેને ગુમાવ્યા છે અને 12 બાળકોએ બંનેમાંથી કોઈ એકને. આ સિવાય પુલની દુર્ઘટનામાં પતિને ગુમાવનાર સગર્ભા મહિલાના બાળક માટે પણ મદદ કરાઈ છે. આ માટે રૂ.25 લાખની ફીક્સ ઉભી કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.