ગુજરાત રાજયમાં લઠ્ઠાકાંડની ઘટના નવી નથી. દારૂબંધીના દંભમાં રહેતા ગુજરાતની અસલી વાસ્તવિકતા છેકે, દારૂ મુક્ત રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ દારૂ ગુજરાતમાં ઠલવાય છે, અને વેચાય છે. બસ, દારૂબંધીના નામે ઉપરથી નીચે સુધી મોટા તોડપાણી થાય છે અને જે સસ્તી કિંમતના દારૂને મોઘા ભાવે વેચવો સરળ બને છે. રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી ટાણે મત લેવા માટે આ લોકોને જ મફતમાં દારૂની મહેફીલો કરાવીને દારૂ ઢીંચવાની લત લગાવતાં હોય છે.
છાશવારે આવતી ચૂંટણીમાં આ રાજકીય નેતાઓ જ મોટા પ્રમાણમાં દારૂ પીવડાવી મત મેળવતાં હોય છે, કેટલાક તો પરમીટ ધારક હોય છે, સાંજે બે પૅક લગાવ્યા સિવાય ખાવા પણ પચાવી શકતાં નથી. આ રીઢા રાજકારણીઓ પણ લઠ્ઠાકાંડમાં રાજનીતિ ચમકાવવા માટે ખોટી સહાનુભૂતિ દર્શાવવા ઉતરી પડતાં હોય છે. રાજ્યમાં આ ઘટના પ્રથમ વખત નથી. અગાઉ પણ અનેક વખત લઠ્ઠાકાંડની હોનારત સર્જાઇ ચુકી છે.
બસ તપાસ થાય, કેટલાક પોલીસ કર્મીઓ પર ઉચ્ચ અધિકારીઓ ફરજ મોકૂફી કે બદલી કરવાનાં પગલાં ભરે અને બે ચાર લોકોની ધરપકડ થાય. આ રીતે સમગ્ર ઘટનાનું ફીંડલું વાળી દેવામાં આવે. આથી વિશેષ. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે ન તો કોઇ પગલાં લેવાય છે, ન કોઇ આયોજન કરવામાં આવે છે કે તંત્ર આવી ઘટનાઓ લોકો ભુલી જાય તેવા જ પ્રયાસમાં લાગી જાય છે.
જાે રાજ્યમાં દારૂબંધીનું સઘન પાલન કરવું ટેક્નિકલી શક્ય નથી તો, સરકારે આ પોલીસી પર પુનર્વિચાર કરી તેમાં કડક નિયમો સાથે છુટછાટ કરવી જાેઇએ યા તો, તેને સઘનતાથી લાગુ કરવા સક્રિય સેલ બનાવી નાર્કોટિક્સ બ્યૂરોની માફક ગુજરાતના પ્રોહિબિશન એક્ટને મજબુત કરવો જાેઇએ. આ લઠ્ઠાકાંડ માટે માત્ર તંત્ર જ જવાબદાર નથી, આપણો સમાજ એટલો જ જવાબદાર છે જેટલું તંત્ર છે. દારૂનું પરમિટ વિના વેચાણ થાય ત્યાના આજુબાજુના લોકો પણ એટલા જ જવાબદાર છે. જ્યાં સુધી આપણે “મારે શું?”ની ભાવના નહી ત્યજીએ ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે.
જનતાએ પણ આવા દુષણો સામે અવાજ ઉઠાવવો જાેઈએ, કેમ કે એક સ્વચ્છ સમાજ સ્થાપિત કરવાની જવાબદારી માત્ર સરકારની નથી હોતી.ગુજરાતમાં બોટાદ, ભાવનગર અને અમદાવાદના ગામોમાં નકલી દારૂ કે આલ્કોહોલિક કેમિકલ પીવાના કારણે સર્જાયેલ હોનારત એટલે કે લઠ્ઠાકાંડ. આ લઠ્ઠાકાંડમાં ૪૨ જેટલા લોકોના મોત થયા છે જ્યારે ૧૧૪ જેટલા લોકો સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડની આ ઘટનાએ રાજ્યમાં હલચલ મચાવી દીધી છે. રાજ્ય સરકાર બચાવમા આવી ગઇ છે, એક બાદ એક એક્શન લઇને ડેમેજ કંટ્રોલ કરવા પ્રયાસ કરી રહી છે. તો, વિપક્ષી દળો માટે રાજકીય જમીન બનાવવાનું પ્લેટફોર્મ મળી ગયું છે.