પંચમહાલના જંગલ વિસ્તારમાં દીપડાનો આતંક વધી રહ્યો છે. દીપડાઓના માણસો પર હુમલો કરવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. ત્યારે વાવકુંડલી ગામમાં ૮ માસના બાળકને મળસ્કે સ્તનપાન કરાવતી માતાના ખોળામાંથી દીપડો ખેંચી ગયો હતો. સ્થાનિકોએ જંગલમાં દોટ મૂકી બાળકની શોધખોળ આદરી હતી. વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતાં બાળકનો મૃતદેહ ઝાડીઓમાંથી મળી આવ્યો હતો.
પંચમહાલના ઘોઘંબા તાલુકામાં દીપડાનો આતંક સતત વધી રહ્યો છે. ત્યારે વાવકુંડલી ગામમાં કાળુભાઈ બારીયા ખેતી સાચવવાનું કામે કરે છે. તેઓ ખેતરની પાસે ઝુંપડુ બનાવીને પોતાના પરિવાર સાથે રહે છે. શનિવારે મળસ્કે તેમની પત્ની જશોદાબેન ૮ મહિનાના બાળક મયુરે સ્તનપાન કરાવી રહ્યા હતા. ત્યારે અચાનક દીપડો તેમના ઘરમાં ધૂસી આવ્યો હતો. અચાનક જ દીપડાએ તરાપ મારીને પુત્ર મયુરને ખેચી લીધો હતો અને તેને મોઢામાં પકડીને ત્યાંથી નાસી ગયો હતો.
જશોદાબેને દીપડાના હુમલાથી બૂમો પાડી હતી, અને તરત જ દીપડાની પાછળ જંગલમાં દોટ લગાવી હતી. પરંતુ દીપડો પળવારમાં તેમના પુત્રને લઇને નાસી ગયો હતો. માતાએ ખેતર સુધી પીછો કરવા છતાં દીપડાનો ક્યાંય પતો લાગ્યો ન હતો. બીજી તરફ, જશોદાબેનની બૂમથી સ્થાનિક લોકો મદદે આવી ગયા હતા. આ તરફ જશોદાબેનના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યુ હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિ વન વિભાગને જાણ કરી હતી.
ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ આવીને બાળકીની શોધખોળ કરી હતી. આખરે ખેતરમાં આવેલ ઘર નજીક નાની ડુંગરી પરથી આઠ માસના મયુરનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ દીપડાએ શિકાર કરીને તેનુ માથુ ફાડી ખાધુ હતું. વાવકુંડલી ગામ ફરી એકવાર દીપડાના આતંકથી ધ્રૂજી ઉઠ્યુ છે. લોકોમાં દીપડાનો ભય ઉભો થયો છે. આ વિસ્તારમાં બનેલો આ ત્રીજાે બનાવ છે. ઘોઘંબાના આ વિસ્તારમાં ગત વર્ષે માનવ ભક્ષી દીપડાએ બાળકોને શિકાર કર્યો હતો.