રાજ્યમાં ચારેબાજુ મેઘમહેર થઈ રહી છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે નવસારી, વલસાડમાં રેડ અલર્ટ તો સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ અલર્ટ આપ્યું છે. આ સાથે જ ગુજરાતમાં હજુ પણ ૫ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આ સિવાય રાજ્યમાં શનિવારે રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતના ૧૮૦ તાલુકામાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદી માહોલ જામતા છેલ્લા ૨૨ કલાકમાં ૧૯૩ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વલસાડના ધરમપુર અને નવસારીના ચીખલીમાં સૌથી વધુ સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડમાં મૂશળધાર વરસાદથી ઔરંગા નદી ગાંડીતૂર બની છે.
કાશ્મીરનગરમાં કમરસમા પાણી ઘુસી જતાં લોકોને તાત્કાલિક ઘર ખાલી કરવા તંત્રએ સૂચના આપી છે. વલસાડ અને ખેરગામને જાેડતો પુલ પણ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહારો ખોરવાયો છે. રાજ્યમાં હજુ ૫ દિવસ ભારે વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે ૧૨ અને ૧૩ જુલાઈએ અમદાવાદમાં ભારે વરસાદ થઈ શકે છે.
એટલું જ નહીં, આજથી અમદાવાદમાં પણ ૫ દિવસ વરસાદી માહોલ રહેશે. સુરત, વલસાડ, નવસારી, તાપી, રાજકોટ, જામનગર, ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ હવામાન વિભાગે નવસારી, વલસાડ અને દમણમાં રેડ અલર્ટ આપ્યું છે. જ્યારે સુરત, તાપી, ડાંગ અને જૂનાગઢ, ગીર સોમનાથમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે.