ભવર મીણા (પાલનપુર): વરસાદને લઈને બનાસકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્ધારા આપવામાં આવેલ રેડ એલર્ટ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી રહ્યા છે. જિલ્લામાં બે ઈંચથી લઈને આઠ ઈંચ સુધી વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો બીજી તરફ જિલ્લાને અડીને આવેલા માઉન્ટ આબુમાં પણ ૭ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ઉપરવાસમાં સતત વરસાદથી બનાસકાંઠાની તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં વરુણ દેવે જાણે પોતાનું અસલ રૂપ બતાવવા શરૂ કર્યું હોય તેમ સાર્વત્રિક વરસાદ જિલ્લાભરમાં પડી રહ્યો હોવાથી નદી નાળાઓ સહિત નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ થઈ ગયા છે. તો બીજી બાજુ જિલ્લાની તમામ નદીઓ ગાંડી બની વહેતી થઈ છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવતા બનાસકાંઠા જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. પાલનપુર આબુ હાઇવે પર વરસાદી પાણી ભરાઈ જતા ફોરલેન હાઇવે બંધ કરવાની ફરજ પડી હોવાના મેસેજો સોસીયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.જિલ્લામાં પડી રહેલા સાર્વત્રિક વરસાદના લીધે જિલ્લાની બનાસનદી, બાલારામ સહિતની તમામ નાની મોટી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. જેથી નદી, નાળાઓએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાથી પાણીમાં ન ઉતરવા માટે વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો બીજી તરફ અમીરગઢ, આબુરોડ માં 5 – 5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ અમીરગઢમાં ગત રાત્રે પડેલા વરસાદ સાથે પોસ્ટ ઓફીસ નજીક વૃક્ષ સાથે વિજપોલ ધરાશાયી થતા બે ગાયોના મોત થયું હતું.