રાજ્યમાં સરકારી શાળાઓમાં વધેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેક્નોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, તેને પગલે સરકારી શાળાઓ સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત થઇ રહી છે. આમ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સુધારવા માટે જે પ્રકારની કામગીરી થઇ રહી છે તેનું પરિણામ રૂપી એ ફળ મળ્યું છે કે સેલ્ફ ફાયનાન્સ શાળા છોડીને હવે વાલીઓ તેમના બાળકોને સરકારી શાળામાં મૂકતા થયા છે.
રાજ્યમાં છેલ્લાં ૭ વર્ષના આંકડા જાેઇએ તો, અંદાજિત ૩ લાખ ૨૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લાં સાત વર્ષમાં અંદાજિત કુલ ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી શાળામાં એડમિશન લીધું છે. ૨૧મી સદી જ્ઞાન-વિજ્ઞાનની સદી છે ત્યારે આજના દરેક વાલી પોતાના બાળકના એડમિશન માટે સ્કૂલોમાં કેવા પ્રકારની સુવિધા છે તે ખાસ જુએ છે.
જેમાં પ્રી એજ્યુકેશનલ કીટ, ૩ડી એજ્યુકેશનલ ચાર્ટ, સાયન્સ અને મેથ્સ લેબ વિથ વર્કિંગ મોડેલ, ડિજિટલ પ્લેનેટોરીયમ, ફ્યુચર ક્લાસરૂમ, ફોલ્સ સીલિંગ, મલ્ટીપ્લે સ્ટેશન અને આઉટડોર રબર મેટ, ફેન્સી બેન્ચીસો, ઇન્ડોર મેટ, કેમેરાથી લેસ, વ્હાઇટ બોર્ડ, સ્પોર્ટસ કીટ અને લાઇબ્રેરી હોય આ તમામ પ્રકારની સુવિધા જે સ્કૂલમાં હોય તેમાં વાલી પોતાના બાળકનું એડમીશન કરાવતા હોય છે. અમદાવાદ શાસનાધિકારી ડૉ.એલ.ડી.દેસાઈ કહ્યું કે, સરકારી નીતિઓને કારણે વાલીઓ સરકારી સ્કૂલ્સ તરફ વિચારતા થયા છે.
રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ લાયકાત ઘરાવતા તાલિમબદ્ધ શિક્ષકો, માળખાકિય સુવિધામાં વધારો અને રાજ્ય સરકારની શિક્ષણ નીતિ વિષયક યોજનાઓ તેમજવબાળકોને મળતા લાભો વિશે વાલીઓને જાગૃત કરવામાં આવે છે. આ બધા પરિણામોને કારણે વાલીઓ સરકારી સ્કૂલમાં પણ ખાનગી સ્કૂલ કરતા શ્રેષ્ઠ શિક્ષણ મળે છે તે જાણ્યા, અનુભવ્યા અને મુલાકાત લીધા બાદ તેમના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવે છે.
તેમણે ઉમેર્યું કે, એમ આ તબક્કે વાલીઓને વિશ્વાસ અપાવીએ છીએ કે સરકારી સ્કૂલ પર મૂકેલા વિશ્વાસને ટીમ સ્કૂલ બોર્ડ ૧૦૦ ટકા પૂર્ણ કરશે. તેમણે વધુમાં કહ્યું કે, નવા શૈક્ષણિક સત્ર માટે પણ શિક્ષકોને એડમિશન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આ શિક્ષકો દરેક વિસ્તારમાં જઈ વાલીઓને મળી સરકારી સ્કૂલ્સમાં એડમિશન લેવાના ફાયદા અંગે જણાવી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન ડૉ.સુજય મહેતાએ કહ્યું કે, સરકારી શાળાઓમાં પણ ખાનગી સ્કૂલ્સની જેમ રમતગમતના મેદાન, હાઈટેક ટિચિંગ ક્લાસ, સ્વચ્છતા તથા ક્વોલિફાઈડ શિક્ષકો હોવાથી ખાનગી સ્કૂલ્સ સામે સ્પર્ધા શરૂ થઈ છે.