વડોદરામાં નવા વાહનોની નંબર પ્લેટ માટે હવે લોકોએ RTOના સુધી લાંબુ નહીં થવુ પડે. તેના માટે વડોદરા RTO દ્વારા અનોખું આયોજન કરાયું છે. વાહનોના રજિસ્ટ્રેશનથી લઈ નંબર પ્લેટની પ્રક્રિયા શો-રૂમથી જ થશે. આ પ્રક્રિયા આગામી 1 જુલાઈથી શરૂ કરાશે. મહત્વનું છે કે પહેલાં RTOમાંથી જ વેરિફાઇ અને એપ્રૂવલની કામગીરી થતી હતી અને RTOમાંથી નંબર એલોટમેન્ટ થતા હતા.
નંબર પ્લેટના રૂપિયા ભર્યા બાદ લાગી જશે નંબર પ્લેટ
શહેરમાં તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી જ કરાશે. ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ નવા વાહનને નંબર પ્લેટ લાગી જશે. આ માટે શો-રૂમના ડીલર્સને RTO દ્વારા તાલીમ અપાશે.
નંબર પ્લેટ માટે RTO નહીં જવું પડે
વડોદરા RTO દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોટર વ્હીકલ એક્ટમાં આવેલા સુધારા મુજબ, પહેલાં RTOમાંથી નંબરની ફાળવણી થતી હતી. જે હવે ડીલર્સ કક્ષાએથી જ ફાળવવામાં આવશે. જેથી વાહનના નંબરની ફાળવણી પણ ઝડપી બનશે. તેમને RTO સુધી પણ નહીં આવવું પડે, નંબર પ્લેટ શો-રૂમમાં જ લાગી જશે.
આ પણ વાંચોઃ
યુપીમાં ભાજપને ‘મોદી મિત્ર મુસ્લિમ’ની કેમ જરૂર છે? રાજકારણનો ‘ર’ સમજવો પણ જનતા માટે ભારી પડી ગયો
રંગીલા રાજકોટમાં ગુજરાતની ઈજ્જતના ધજાગરા, ખુલ્લામાં સરબતની જેમ દારૂની મહેફિલ, પોલીસની આબરૂ ધૂળધાણી
હાલ એક અઠવાડિયા જેટલો સમય લાગે છે
ઉલ્લેખનીય છે કે, કોઈ નવું વાહન ખરીદે છે, ત્યારે તે વાહનના દસ્તાવેજને ડિલર દ્વારા RTOને મોકલવામાં આવે છે. જે બાદ RTO દ્વારા તે વાહનના દસ્તાવેજોની ખરાઈ કર્યા બાદ આ નંબરની HSRP તૈયાર કરવા યાદી મોકલે છે. નંબર પ્લેટ તૈયાર થઈને આવ્યા બાદ વાહનમાલિકને જાણ કરાય છે. આમાં એક અઠવાડિયા જેટલો સમય લાગે છે. તો જ્યારે કોઈ પસંદગીનો નંબર ખરીદે છે, ત્યારે વધારે સમય લાગે છે. જોકે, હવે આ માટે પણ વધારે રાહ જોવી પડશે નહીં.