રાજ્યમા વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકારણમા ઉથલપાથલ મચી છે. કાલે અચાનક જ ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો હતો. કાલે બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લઈ અને અન્યને આપવામા આવ્યા છે. આ મંત્રીઓમા મહેસુલ વિભાગનો હવાલો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી લઈને હર્ષ સંઘવીને અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન મંત્રાયલની જવાબદારી લઈ જગદીશ પંચાલને સોંપવામા આવી છે.
મળતી માહિતી મુજબ ચૂંટણી પહેલા જ ભાજપે સરકારના 1 વર્ષના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓના રિપોર્ટ કાર્ડ તૈયાર કરી દીધા છે. આ રિપોર્ટ કાર્ડ મુજબ જ હવે આગળના સમાયમા એકશન લેવાઈ તેવી શકયતા છે. આવનારા સમયમા મંત્રીઓની ટિકિટથી લઈને મંત્રી મંડળમાં પણ ઉથલપાથલ જોવા મળી શકે છે. હવે નવા નિશાળીયા જેવી આ સરકારનો એક વર્ષનો સમય પૂરો થયો છે ત્યારે ભાજપ દ્વારા સર્વે અને માહિતી પર નજર કરવામા આવી રહી છે.
મળતી માહિતી મુજબ ભાજપે તૈયાર કરેલા પટેલ સરકારના મંત્રીઓની કામગીરીના રિપોર્ટ કાર્ડ મુજબ બહુ ઓછા મંત્રીઓ એક વર્ષના સમયગાળામાં તેમને આપવામાં આવેલા વિભાગોમાં કોઈ નોંધપાત્ર કામગીરી બજાવી શક્યા છે. બે ત્રણ મંત્રીઓ આ એક વર્ષ્ય દરમિયાન વિભાગમાં વધુ એક્ટિવ જોવા મળ્યા હતા. ભાજપના રિપોર્ટ કાર્ડ મુજબ જે મંત્રીઓ તેમા નાપાસ થયા છે તેઓની ટિકિટ કપાઈ શકે તેવી શક્યતા છે અને તેમના બદલે ફરી નવા ચહેરાઓને ટીકિટ મળી શકે છે.