ગુજરાત હવે આંદોલનમય બની ગયું છે અને રોજ સવારે ઉઠીને કોઈને કોઈ ખુણેથી આંદોલનના સમાચાર સામે આવી જાય છે. એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ને બીજી તરફ ગાંધીનગરમાં કર્મચારીઓનું આંદોલન વેગ પકડી રહ્યું છે. હાલમાં વાત કરવામાં આવે તો છેલ્લા 40 દિવસથી ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓ હડતાલ ઉપર છે. આજરોજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા કૂચ કરવામાં આવી અને વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓ અને સમસ્યાઓના નિવારણ હડતાલ ઉપર ઉતર્યા છે.
વિસ્તારથી વાત કરવામાં આવે તો આરોગ્ય કર્મચારીઓ તેમની મુખ્ય 3 માંગણીઓ છે. પહેલી ગ્રેડ પેમાં વધારો, બીજી 130 દિવસનું કોરોના ભથ્થું અને ત્રીજી PTA આવકારવાના મુદ્દા સાથે વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી આરોગ્ય કર્મચારીઓમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે અને અગાઉ પણ આરોગ્ય કર્મચારીઓ આંદોલન અને હડતાલ કરી ચુક્યા છે. જો કે એક વાત એ પણ છે કે હડતાલ સમેટવા માટે આરોગ્ય કર્મચારીઓ સરકાર સાથે 2 વખત બેઠક કરી ચુક્યા છે અને એક વખત હડતાલ સમેટવાની જાહેરાત પણ કરી ચુક્યા છે.
જો કે આ બધું કર્યા પછી પણ હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય પછો ખેંચવામાં આવ્યો હતો. ત્યારથી આરોગ્ય કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. જો સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓની માંગ નહિ સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં આરોગ્ય કર્મચારીઓ ભૂખ હડતાલ ઉપર ઉતરવાની પણ ખબર સામે આવી રહી છે અને એ લોકોએ સરકારની ચીમકી પણ આપી દીધી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ માંગને પહોંચી વળે છે કેમ અને જો શક્ય નહીં બને તો ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા પણ કથળે એવી સ્થિતિ છે.