વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે નવા મંદિરના ઉદ્ઘાટનની સાંજે જ પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અચાનક આવેલા વરસાદને લઈ પાવાગઢના પગથિયાં પર પાણી વહેતુ થયું હતું. પાવાગઢમાં વહેતા પાણીના અદભૂત દ્રશ્યો સાથે રમણીય નજારો જાેવા મળ્યો હતો. યાત્રાધામ પાવાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું.
ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કર્યા બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જે બાદમાં સાંજના સમયે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદથી મંદિરના પગથિયાં પર પાણી વહેતુ થયું હતુ.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ તાલુકામાં મેઘરાજાએ પધરામણી કરી છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં ૧.૫ ઈંચ વરસાદ અને બાબરામાં ૧ ઈંચ અને ધરમપુરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
આ સાથે ખેડબ્રહ્મામાં અડધો ઈંચ, ધંધુકામાં ૭ મી.મી વરસાદ તો ગોંડલમાં ૬ મી.મી,વડિયામાં ૫ મી.મી વરસાદ પડ્યો હતો.