તાજેતરમાં શરૂ થયેલી ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેનને સતત બીજા દિવસે નજીવો અકસ્માત થયો હતો. કાલે શુક્રવારે ગુજરાતના આણંદ સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન ગાય સાથે અથડાઈ હતી જેના કારણે ટ્રેનના આગળની પેનલને નજીવું નુકસાન થયું હતું. એક દિવસ પહેલા ગુરુવારે વંદે ભારત ટ્રેન ભેંસોના ટોળા સાથે અથડાઈ હતી, ત્યારબાદ તેના આગળની પેનલ બદલવી પડી હતી.
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આજની ટક્કરથી ટ્રેનને વધારે નુકસાન થયું નથી. જોકે તેના આગળના બોડી પર ખાડો છે. વંદે ભારત ટ્રેન સતત બીજા દિવસે પ્રાણીઓ સાથે અથડાઈ. આજે બનેલી આ ઘટના મુંબઈથી લગભગ 432 કિલોમીટર દૂર આણંદ પાસે બપોરે 3.48 વાગ્યે બની હતી. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું કે ટ્રેનના આગળના ભાગમાં એક નાનો ખાડો થયો છે. તેમણે કહ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે.
પ્રાણીઓ સાથે વંદે ભારત ટ્રેનની આ અથડામણ અંગે રેલવે અધિકારીઓનું કહેવું છે કે ગુજરાતમાં ગાયો અને ભેંસોને ઉછેરનાર વંદેને ભારતના ટાઈમ ટેબલની જાણ નથી. આ જ કારણ છે કે ભેંસોનું ટોળું પાટા પર આવી ગયું. હવે તેમને જાગૃત કરવા અભિયાન ચલાવવામાં આવશે.