બોટાદ અને અમદાવાદ જિલ્લામાં 55 લોકોનો ભોગ લેનાર લઠ્ઠાકાંડ માટે ઝેરી દેશી દારૂ નહીં પણ ‘કેમિકલ’નો દુરુપયોગ જવાબદાર હોવાનું સરકારે જણાવ્યું છે. રાજુ નામના બુટલેગરે અમદાવાદની ફેક્ટરીમાંથી કેમિકલની ચોરી કરીને રોજિદ, દેવગણાના બુટલેગરોને પહોંચાડ્યું હતું. માહિતી સામે જ છે કે બરવાળા કેમિકલ કાંડના અનેક પરિવારના લોકોએ પોતાના સ્વજન ગુમાવવા પડ્યા છે. ત્યારે રોજિંદ ગામના દિનેશભાઈ વીરગામા કે જેમનું મૃત્યુ થયું છે. તેમના પત્ની સાથે છુટાછેડા થઈ ગયા છે. અને 3 વર્ષના દીકરા કેવલે પિતાની છત્રછાયા ગુમાવી છે.
હવે આલમ એ છે કે વિધવા દાદીના એકમાત્ર સહારે જીવન જીવવું પડશે. ઘરમાં હવે કમાનાર પુરુષ છે જ નહીં. પરિવાર ઘેરી ચિંતામાં છે. સરકાર કોઈ સહાય કરે તો જ આ પરિવાર ટકી શકે છે બાકી એમનાં જીવવા પર પણ સવાલ છે. તેમજ આ કાંડમાં સંડોવાયેલા તમામ લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એ તો એટલું જ જરૂરી છે અને દારૂ વેચાણ થાય છે એટલે આ કરુણાંતિકા સર્જાઈ છે. કેવલના નસીબમાં માતાપિતા બંનેનો પ્રેમ હતો જ નહીં એવું કહીએ તો પણ ચાલે. અગાઉ કેવલની માતા તેને છોડીને જતી રહી. હવે કેમિકલ કાંડને કારણે પિતા પણ અવસાન પામ્યા છે.
હવે વાત એવી આવીને ઉભી રહી છે કે કેવલની જવાબદારી તેની દાદી ઉપર આવી પડી છે. ઘરમાં કોઈ કમાનાર ન હોવાને કારણે કેવલના ભવિષ્ય સામે પ્રશ્નો ઉભો થયો છે. તો આ ઉંમરે દાદી કેવી રીતે કેવલનો ઉછેર કરશે તે ચિંતા તેમને સતાવી રહી છે. ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા.