ખેડા જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૦૮ની વિદ્યાસહાયક ભરતીમાં મહેકમ કરતાં વધુ ભરતી થયેલા વિદ્યાસહાયકો સામે છેલ્લા કેટલાક વર્ષોથી મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો.જે સંદર્ભે આજરોજ ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બોગસ વધારાના ભરતી થયેલા ૩૭ વિદ્યાસહાયક શિક્ષકોને કાયમી ધોરણે ઘર ભેગા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.જેને પગલે જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ખેડા જિલ્લાની પ્રાથમિક વિવિધ શાળાઓમાં ફરજ બજાવતા ૩૪ અને બદલી કરાવીને મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ગયેલા ૦૩ મળીને કુલ ૩૭ વિદ્યાસહાયકોને આજરોજ શાળા સમય બાદ કાયમી ધોરણે છૂટા કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું ખેડા જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઓર્ડર નહિ લેનારા વિદ્યાસહાયક શિક્ષકોને રજી. પોસ્ટથી હુકમ મોકલી આપવામાં આવશે અને આવતીકાલથી શાળા રજીસ્ટરમાંથી નામ કમી કરી દેવામાં આવશે. આમ વર્ષોથી કોર્ટના આશરે બોગસ નોકરી કરી રહેલા વિદ્યાસહાયકોને આજે ૧૪ વર્ષ પછી નોકરીથી હાથ ધોવાનો વારો આવ્યો હતો.
ખેડા જિલ્લામાં નિયત કરતાં વધુ શિક્ષકોની ભરતી કરી દઈને લાખો રૂપિયાના ઉઘરાણાં કરનાર તત્કાલીન જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી અને તેમના મળતિયાઓને કારણે આજે આશાસ્પદ વિદ્યાસહાયકોને અધવચ્ચે નોકરી ગુમાવવાનો વારો આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.જે તે સમયે બોગસ ભરતીને કારણે નોકરીથી વંચિત રહી ગયેલા ઉમેદવારોને વર્ષો પછી ન્યાય મળ્યો હતો.જોકે બોગસ ભરતી થયેલા વિદ્યાસહાયકોના અરમાનો ઉપર પાણી ફરી વળ્યા હતા અને કાયમી ઘેર બેસવાનો વારો આવતાં તેઓની સામાજિક પ્રતિષ્ઠા પણ જોખમાય તેવી હાલત જોવા મળી રહી છે.