ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ઓગસ્ટ ૨૦૨૦ માં કોવિડ -૧૯ થી મૃત્યુ પામેલા કોરોના યોદ્ધાના પરિવારને બે મહિનાની અંદર ૨૫ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એપ્રિલ ૨૦૨૦ માં, રાજ્ય સરકારે એવા કર્મચારીઓના પરિવારોને ૨૫ લાખ રૂપિયાના વળતરની યોજનાની જાહેરાત કરી હતી, જેઓ કોરોનાવાયરસ સંબંધિત કામમાં રોકાયેલા હતા અને જાે તેઓ ચેપગ્રસ્ત થાય છે અને તેમની ફરજ દરમિયાન મૃત્યુ પામે તો તેમના પરિવારને આ વળતર ચૂકવવામાં આવશે.
પોલીસ કર્મચારીઓ, આરોગ્ય અને સફાઈ કામદારો, મહેસૂલ અને ખાદ્ય પુરવઠા વિભાગના કર્મચારીઓ અને વાજબી ભાવની દુકાનદારો સહિતના ફ્રન્ટલાઈન કર્મચારીઓના નજીકના સંબંધીઓ માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ૭ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ ખેડા જિલ્લાના ચણોર ગામના વાજબી ભાવની દુકાનદાર ઉસ્માનમીયા મલેકનું સાર્વજનિક હોસ્પિટલમાં કોવિડથી અવસાન થયું.
ત્યારથી, તેઓ કોરોના યોદ્ધાઓની શ્રેણીમાં આવ્યા અને તેમનો પરિવાર ૨૫ લાખ રૂપિયા વળતરની રકમનો હકદાર હતો. તેમના વિધવા શેરબાનુએ અધિકારીઓને વળતરની રકમ રિલિઝ કરવા માટે અનેક અરજીઓ કરી, પરંતુ એક વર્ષ થયા છતાં કોઈ સફળતા મળી નહીં અને તેમને વળતરની રકમ મળી નહીં. જે બાદ કોરોના વોરિયરના વિધવાએ એડવોકેટ પાર્થ દિવ્યેશ્વર મારફત ઓગસ્ટ ૨૦૨૧માં હાઈકોર્ટનો દરવાજાે ખટખટાવ્યો અને વળતરની રકમ તાત્કાલિક રીલિઝ કરવા માટે સંબંધિત રાજ્ય સત્તાધિકારીઓને નિર્દેશ આપવા માંગ કરી હતી.
જાેકે આ કેસ જ્યારે હાઈકોર્ટમાં પેન્ડિંગ હતો તે દરમિયાન, સુપ્રીમ કોર્ટે દેશભરમાં કોવિડ મૃત્યુના તમામ કેસોમાં સરકારોને રૂ. ૫૦,૦૦૦ વળતર ચૂકવવાનો આદેશ આપતો આદેશ પસાર કર્યો હતો. મહત્વનું છે કે હવે આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મૃતક કોરોના વોરિયરના વિધવાને બે મહિનાની અંદર રુ. ૨૫ લાખનું વળતર ચૂકવવા માટે ૨૨મી જૂને રાજ્ય સરકારને આદેશ પસાર કર્યો હતો.