ગઈ ૧૨ એપ્રિલના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. જે બાદ શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામો તૈયાર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન તૈયાર થયેલી વિદ્યાર્થીઓની માર્કશીટમાં ક્યારેક ભૂલ આવી જાય તો શિક્ષણ બોર્ડ દ્વારા સુધારી દેવામાં આવશે.
વિદ્યાર્થીઓને અપાતી કમ્પ્યુટરાઈઝ્ડ માર્કશીટમાં વિદ્યાર્થીનાં નામ, અટક, બેઠક નંબર, જન્મ તારીખ વગેરે સહિતની ભૂલ શિક્ષણ વિભાગ સુધારશે. જાે કોઈ વિદ્યાર્થીની માર્કશીટમાં આવા પ્રકારની કોણ પણ ભૂલ જણાય તો તેના માટે ૯૦ દિવસમાં સ્કૂલ મારફતે બોર્ડમાં અરજી આપવાની રહેશે. ડેટા એન્ટ્રી દરમિયાન ઓપરેટર દ્વારા આવી કોઈ પણ ભૂલ થઈ હશે તો શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ પણ જાતની ફી વસૂલ્યા વગર આ ભૂલ સુધારી આપવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ, ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. મે મહિનાના અંતમાં સૌથી પહેલાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવશે. એની સાથે વિદ્યાર્થીઓના પેપરની ચકાસણી પણ પૂર્ણ થવાના આરે છે.
આ કાર્યવાહી પૂરી થયા બાદ માર્કશીટ તૈયાર કરવામાં આવશે. જાે કે, માર્કશીટ કમ્પ્યુટર પર તૈયાર થયા બાદ તેનું છાપકામ કરવામાં આવતું હોય છે. આ દરમિયાન ડેટા એન્ટ્રી દરમિયાન ઓપરેટર દ્વારા વિદ્યાર્થીનું નામ, અટક, જન્મ તારીખ, બેઠક નંબર વગેરેમાં કોઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય આવા કિસ્સામાં શિક્ષણ બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે. આ ભૂલો સુધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ જાતની ફી વસૂલવામાં આવશે નહીં. જેના માટે શિક્ષણ વિભાગ દ્વારા જરુરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.
જાે કે, પહેલાં રાબેતા મુજબ વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થશે. ત્યારબાદ માર્કશીટ આપવામા આવશે. માર્કશીટ આપ્યા બાદ વિદ્યાર્થીના નામ, અટક, બેઠક નંબર વગેરેમાં કોઈ ભૂલ થઈ ગઈ હશે તો વિદ્યાર્થીએ સુધારા માટે સ્કૂલને લેખિતમાં જાણ કરવાની રહેશે. એ પછી સ્કૂલ દ્વારા પરિણામ જાહેર થયાના ૯૦ દિવસની અંદર ભુલ સુધારવા માટે માર્કશીટ જાેડીને શિક્ષણ બોર્ડને અરજી કરવાની રહેશે. જેના ગણતરીના જ સમયમાં કે પછી એ જ દિવસે માર્કશીટમાં સુધારો કરીને પરત આપી દેવામાં આવશે એવું પણ સૂત્રોએ જણાવ્યું છે.