પાલનપુર : બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને સદભાવના ગ્રુપના સંયુક્ત ઉપક્રમે પાલનપુર વૃધ્ધાશ્રમ (વડીલ વિશ્રાંતિ ગૃહ) ખાતે કલેક્ટરશ્રી આનંદ પટેલના હસ્તે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં ૮૫ જેટલાં વડીલોને વૃદ્ધ પેન્શન સહાય અને આરોગ્યના લાભો અપાયા હતા.
આ પ્રસંગે કલેકટરશ્રી આનંદ પટેલે સદ્દભાવના ગ્રુપ, પાલનપુરની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતા કહ્યું કે, માનવ સેવા એ જ પ્રભુ સેવાના ભાવ સાથે સદભાવના ગ્રુપ દ્વારા વડીલોની ખુબ સરસ કાળજી લેવામાં આવે છે. આવા સેવાકાર્યો પૂણ્યશાળી લોકો દ્વારા જ કરવામાં આવતા હોય છે તેમ તેમણે જણાવ્યું હતુ. કલેકટરશ્રીએ વડીલોના દર્શન કરી તેમને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અર્પણ કરતા નિરોગી સ્વાસ્થ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સદભાવના ગ્રુપ પાલનપુરના ચેરમેનશ્રી હરેશભાઇ ચૌધરીએ જણાવ્યું કે, વડીલોના આશીર્વાદથી આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. ગયા જન્મનાં ઋણાનુબંધના કારણે વડીલોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે વડીલો માટે તીર્થયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, વડીલોના આશિર્વાદ સદાય અમારા પર વરસતા રહે તેવી માતાજીને પ્રાર્થના કરુ છુ.
કાર્યક્રમના પ્રારંભમાં વડીલ વિશ્રાંતિ ગૃહના પ્રમુખશ્રી પ્રકાશભાઇ ગાંધીએ સ્વાગત પ્રવચન કર્યું હતુ. આ પ્રસંગે પાલનપુરના સેવાભાવી તબીબ અને વડીલ વિશ્રાંતિ ગૃહના ટ્રસ્ટીશ્રી ર્ડા. સુરેન્દ્ર ગુપ્તા સહિત અધિકારીઓ ટ્રસ્ટીગણ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.