પ્રધાનમંત્રી મોદી નરેન્દ્ર મોદી આજથી ૩ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આગામી વિધાનસભા ચૂંટણીના વર્ષમાં પીએમ મોદીનો આ પ્રવાસ ખૂબ મહત્વનો છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમમાં હાજરી આપશે અને અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે. ગઈ કાલે સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા.
આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જવા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા બાદ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ શિક્ષકો સાથે ઈ-સંવાદ કર્યો હતો. પીએમ મોદી દ્વારા ટેકનોલોજીથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થયો તે અંગે વિદ્યાર્થી અને શિક્ષકોને સવાલ પુછવામાં આવ્યા હતા.
મોનિટરિંગ રૂમમાંથી રાજ્યના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે સાથે સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રવાસના બીજા દિવસે તેઓ જામનગરમાં ડબલ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કરશે. ૨૦ એપ્રિલના રોજ, તેઓ ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે.
બાદમાં દાહોદમાં આદિજાતિ મહા સંમેલનમાં હાજરી આપશે અને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આદિજાતિ મહા સંમેલનમાં બે લાખથી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.
આ સિવાય તેઓ બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. બનાસકાંઠામાં નવું ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ રૂ. ૬૦૦ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે. નવું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે.
તે લગભગ ૩૦ લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરે છે. તે દરરોજ લગભગ ૮૦ ટન માખણ, એક લાખ લિટર આઈસ્ક્રીમ, ૨૦ ટન કન્ડેન્સ્ડ મિલ્ક (ખોયા) અને છ ટન ચોકલેટનું ઉત્પાદન કરશે. આ સિવાય મોદી બનાસ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પણ શરૂ કરશે. આ સ્ટેશનની સ્થાપના ખેડૂતોને કૃષિ અને પશુપાલન સંબંધિત મહત્ત્વની વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવા માટે કરવામાં આવી છે. એવી અપેક્ષા છે કે રેડિયો સ્ટેશન લગભગ ૧૭૦૦ ગામોના પાંચ લાખથી વધુ ખેડૂતો સાથે જાેડાશે. પીએમ મોદીના આ ત્રણ દિવસના પ્રવાસ સાથે ભાજપ તરફથી આ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો શંખનાદ હશે