રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલી, દીવ, કચ્છ, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે આવતીકાલે નવસારી, વલસાડ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલી, દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 10 જુલાઈએ ભરૂચ, સુરત, વલસાડ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
ગુરુવારે રાજ્યના 60 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજકોટના જામકંડોરામાં સૌથી વધુ 8.25 ઈંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં 6.74 ઈંચ વરસાદ સાથે ચોમાસાની સીઝનનો 20 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ગુરુવારે 15 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ અને 45 તાલુકામાં એકથી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આશંકા છે, જેના કારણે સરકાર દ્વારા અત્યારથી જ તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે. આ સંદર્ભમાં હવામાન વિભાગ (IMD) એ ટ્વિટ કર્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં ભારે વરસાદ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
IMDએ ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 7, 8 અને 10 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 8 જુલાઈથી 10 જુલાઈ સુધી વરસાદની સંભાવના છે. 9 જુલાઈ, 2022 ના રોજ ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણા, ચંદીગઢ અને દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગુરુવારે ભારે વરસાદ પડ્યો હતો અને આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વધુ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. ગોવા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને ભારે વરસાદની ચેતવણી આપી છે. રાજ્ય સરકારે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 8 અને 9 જુલાઈએ રજા જાહેર કરી છે.