ભાવનગરની મહિલા પીએસઆઈસાથે દુષ્કર્મ ગુજરનાર અને દાગીના પડાવનારા કચ્છના પીએસઆઈને આખરે જેલને હવાલે કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરની મહિલા પીએસઆઈએ ફરિયાદ કર્યાના કલાકોમાં જ ભાવનગર પોલીસ પીએસઆઈને કચ્છથી ઉઠાવી ભાવનગર લાવી હતી અને રિમાન્ડ મેળવ્યા હતા. જાે કે, રિમાન્ડની અવધિ પૂર્ણ થઈ જતાં આરોપી પીએસઆઈને નામદાર કોર્ટમાં રજૂ કરી જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો હતો. તેમજ મહિલા અધિકારી પાસેથી પડાવેલા દાગીના પણ અમદાવાદથી કબજે કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે ભાવનગર પોલીસની મહિલા અધિકારીએ કચ્છના પીએસઆઈસામે દુષ્કર્મ, રૂપિયા-દાગીના પડાવ્યાના આક્ષેપો કરતી ફરિયાદ દાખલ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
મહિલા પોલીસ અધિકારીએ ભૂજ હેડ ક્વાર્ટરના પીએસઆઈ રાકેશસિંહ કટારા સામે ફરિયાદ નોંધાવતા કહ્યું કે, તેઓ તેના હમવતની પોલીસ અધિકારીના સંપર્કમાં આવ્યા બાદ તેણે પરિણીત અને બે સંતાનોનો પિતા હોવા છતાં પત્નીને છૂટાછેડા આપી દેવાના હોવાની ખોટી વાત કરી પ્રેમજાળમાં ફસાવી તેણીની સંમતિ ન હોવા છતાં ૨૦૧૯થી અત્યાર સુધી ભાવનગરના તેણીના ક્વાર્ટરમાં શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ વિશ્વાસમાં લઈને ૩ લાખ તેમજ દાગીના મેળવી લઈ પરત ન કરી ધાકધમકી દઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.
મહિલા અધિકારીની ફરિયાદના પગલે પીએસઆઈ રાકેશ કટારા સામે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને ઘટના અંગે કચ્છ પોલીસને જાણ કરાતા કટારાને ડિટેઈન કરાયા હતા અને બાદમાં ભાવનગર પોલીસ તેનો ભુજથી કબજાે મેળવીને ભાવનગર લઈ આવી હતી અને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. પૂછપરછ દરમિયાન કટારાએ કબૂલ્યું હતું કે, મહિલા અધિકારી પાસેથી મેળવેલા દાગીના અમદાવાદમાં ગીરવે મૂક્યા છે. જેથી પોલીસ અમદાવાદ પહોંચી દાગીના કબજે કર્યા હતા. રવિવારે રિમાન્ડ પૂર્ણ થતાં કટારાને કોર્ટમાં રજૂ કરી જેલે હવાને કરી દેવામાં આવ્યો છે. ( પ્રતિકાત્મક તસવીર )