ગુજરાતીના મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બાદ આખા રાજ્યમાં શોકનો માહોલ છે. પૂલ તૂટયો તે સમયે પૂલ પર લગભગ ૪૦૦ લોકો હાજર હતા સામે આવતા આંકડાઓ મુજબ ૧૪૦થી વધુ લોકોના મોત થયા છે જેમાં મોટા ભાગે બાળકો અને મહિલાઓ સામેલ છે. પૂલ તૂટતા અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા છે. આ વચ્ચે એક પરિવારની વાત સામે આવી છે જેને કુદરતનો કરિશ્મા કહી શકાય. આ પરિવાર છે રાજકોટના યુનિવર્સિટી રોડ પાસે રહેતો વસાણી પરિવાર.
મળતી માહિતી મુજબ પૂલ જે સમયે ધરાશાયી થયો ત્યારે વસાણી પરિવારના 14 સભ્યો આ પુલ પર હાજર હતા. સૌભાગ્યની વાત એ છે કે આ પરિવારના તમામ સભ્યો બચી ગયા હતા. પરિવારે જણાવ્યું હતુ કે તેઓ રાજકોટથી સ્પેશિયલ આ પુલ જોવા માટે મોરબી આવ્યા હતા. તેઓ જ્યારે આ પુલને 30 થી 35 ટકા પાર કર્યો ત્યારે આ પુલ હાલક ડોલક થઈ રહ્યો હતો. આ બાદ જ્યારે આ લોકો પાણીમાં હતા ત્યારે પુલ તૂટી ગયો. તેઓને તરત જ કોટ નજીકમાં દેખાયો અને જેમ તેમ કરીને કોટ સુધી પોહોચી ગયા હતા. આ પછી લગભગ આ અડધો કલાક ઊભા કોટને સહારે રહી શક્યા અને તમામનો જીવ બચી ગયો.