રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરે યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનામા રાજકોટની યુવતીનુ રણચંડીરૂપ જોવા મળ્યુ હતુ. યુવતીએ સિટી બસના ડ્રાઈવરને તમાચા જીંકી દીધા હતા. આ પછી લોકોએ પણ બસના ડ્રાઈવરને બરાબરનો ધબાવ્યો હતો.
વાયરલ વીડિયોમા જોઈ શકાય છે કે બસનો ડ્રાઈવર રૂમાલથી પોતાનો ચહેરો છૂપાવી રહ્યો છે. બીજી તરફ યુવતી આ છેડતીની ઘટનાથી ખુબ રોષે ભરાઈ હતી અને ડ્રાઇવરને બેફામ ગાળો આપી હતી. તેણે ડ્રાઇવરને તમાચા પણ માર્યા હતા જે વીડિયોમા સ્પષ્ટ જોઈ શકાય છે. જો કે હેલા કંડક્ટરે ડ્રાઈવરનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાદ લોકોએ પણ ડ્રાઇવરને માર માર્યો હતો. આ ઘટના ત્રિકોણ બાગ પાસે સામે આવી હતી અને લોકો ટૉળે વળ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ પણ હજુ સુધી આ મામલે કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી.