ગયા મંગળવારે રાજકોટમાં રિલાયન્સનો પેટ્રોલ પંપ ચલાવતા મિતેશ જાની (નામ બદલ્યું છે)ના પંપ પર પેટ્રોલ અને ડીઝલ બંને ખતમ થઈ ગયા હતા. મિતેશભાઈને ૨૦૦૮ની યાદ આવી ગઈ જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના તમામ રિટેલ આઉટલેટ બંધ કરવા પડ્યા હતા. જાની કહે છે કે કોરોના પછી ફરી આવી રીતે પંપ બંધ કરવા પડે તો તેમને ભારે નુકસાન જશે.
તેઓ કહે છે કે, મારા રિટેલ પેટ્રોલ પંપ પર ત્રણ દિવસ સુધી પેટ્રોલ -ડીઝલનો જથ્થો ન હતો. મારા જેવા કેટલાય પેટ્રોલ પંપ માલિકોએ એરિયા મેનેજરને ફોન કર્યા પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. ૨૦૦૮માં પણ આવી જ સ્થિતિ પેદા થઈ હતી જેના કારણે તેમણે શટર પાડવા પડ્યા હતા.
આજથી ૧૪ વર્ષ અગાઉ ૨૦૦૮માં આખી દુનિયામાં ઓઈલના ભાવમાં તેજી આવી હતી. તે સમયે ઓઈલનો ભાવ બેરલ દીઠ ૧૫૦ ડોલર સુધી પહોંચી ગયો હતો.
તે સમયે સરકારી ઓઈલ કંપનીઓ સબસિડીના ભાવે પેટ્રોલ ડીઝલ વેચતી હતી જ્યારે રિલાયન્સે બજારભાવે ઇંધણ વેચવું પડે તેમ હતું. રિલાયન્સને તે ભાવ પોસાય તેમ ન હતો તેથી તેણે ૧૪૦૦થી વધારે પેટ્રોલ પંપ બંધ કરી દીધા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અન્ય એક ડીલરે જણાવ્યું કે, છેલ્લા બે દિવસની અંદર પેટ્રોલ અને ડીઝલમાં લિટરે ૮૦ પૈસાનો વધારો થયો છે. તેનાથી અમને રાહત મળી છે, પરંતુ અમારી પાસે વેચવા માટે સપ્લાય નથી. છેલ્લા છ દિવસથી મારા ટેન્કરો વેઈટિંગમાં છે, પણ તેને લોડ કરવામાં નથી આવતા.
૪ નવેમ્બર ૨૦૨૧થી ૨૧ માર્ચ ૨૦૨૨ વચ્ચે ક્રૂડ ઓઈલનો ભાવ ૮૨ ડોલર પ્રતિ બેરલથી વધીને ૧૧૧ ડોલર પ્રતિ બેરલ થયો હતો. આ અંગે રિલાયન્સ બીપી મોબિલિટી લિમિટેડ (આરબીએમએલ)ને પૂછવામાં આવતા તેના પ્રવક્તાએ કહ્યું કે તેઓ દેશમાં ૧૪૫૮ જેટલા ડીલરનું નેટવર્ક ધરાવે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં લિટરે ૮૦ પૈસાનો વધારો કર્યો હોવા છતાં રિટેલ અને ઇન્ડસ્ટ્રીયલ ભાવ વચ્ચે લિટર દીઠ ૨૪ રૂપિયાનો તફાવત છે.
આટલી સમસ્યા હોવા છતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના રિટેલ કસ્ટમરની માંગને પૂરી કરશે તેવો દાવો તેમણે કર્યો હતો. આરબીએમએલએ જણાવ્યું કે બલ્ક ડીઝલનો મોટા ભાગનો જથ્થો રિટેલ આઉટલેટને ડાઈવર્ટ કરવામાં આવ્યો હોવાથી પેટ્રોલ પંપ પર માંગમાં તીવ્ર વધારો થયો છે. ડીલરો દ્વારા બહુ મોટા પ્રમાણમાં ફ્યુઅલ ઉપાડવામાં આવે છે.
પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના જ છે તેથી બી૨બીઅને બી૨સીબંને પ્રકારના કસ્ટમર્સ ભારે પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. તેઓ એડવાન્સમાં ખરીદી કરી રહ્યા છે. ભારતમાં ૨૦૧૪થી પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવને ક્રૂડના ઇન્ટરનેશનલ ભાવ સાથે સાંકળવામાં આવ્યા છે. જાેકે, નવેમ્બરથી ૨૧ માર્ચ સુધી એ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા ન હતા. તેના કારણે તેમણે ૧૯,૦૦૦ કરોડની આવક ગુમાવવી પડી છે.