હાલમાં દિલ્હી ખાતે ભાજપના ‘મુરતિયાઓ’નું મહામંથન ચાલી રહ્યું છે ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે ભાજપ પૂર્વ CM વિજય રૂપાણીને ટિકિટ આપી શકે છે. તો વળી મોહન કુંડારીયા-પૂનમ માડમને પણ ઉમેદવાર બનાવી શકે એવી હાલમાં ચર્ચા વહેતી થઈ છે. AAP-કોંગ્રેસ બાદ હવે ભાજપના ઉમેદવારો પણ ગમે ત્યારે જાહેર થશે. કારણ કે હાલ દિલ્હી ખાતે PM મોદીની અધ્યક્ષતા હેઠળ ઉમેદવારોને લઇ મંથન ચાલી રહ્યું છે. ત્યારે આ મંથન વચ્ચે ચૂંટણી ટિકિટ અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે.
આ બધાની વચ્ચે વિગતે વાત કરીએ તો ભાજપ રાજકોટમાં પૂર્વ CM વિજય રૂપાણીને ફરીથી તક આપી શકે છે. મહત્વનું છે કે, રાજકોટની મહત્વની 3 બેઠકમાંથી એક બેઠક OBCને આપવા માંગ ઉઠી છે. ત્યારે OBCની બેઠકમાં યુવા અગ્રણી ઉદય કાનગડનું નામ મોખરે આવી રહ્યું છે. ડો. ભરત બોઘરા હવે જસદણના બદલે રાજકોટથી ચૂંટણી લડે તેવા સંકેત મળી રહ્યાં છે. ગોવિંદ પટેલની બેઠક પર ડો. ભરત બોઘરાનું નામ ફાઇનલ થઇ શકે છે. જ્યારે જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપના ઉમેદવાર બને તો કંઈ નવાઈની વાત કહી ન શકાય.
જો વાત કરીએ જામનગરની તો ઉત્તર બેઠક પર ભાજપનો કબજો છે અને અહીંથી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ધારાસભ્ય છે. ત્યારે રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ઘણા સમયથી ભાજપમાંથી ટિકિટ માટે દોડાદોડી કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ધારાસભ્ય છે ત્યાં સુધી તેમને ટિકિટ ના મળે તેવી સ્થિતિ બની છે. પરંતુ ક્રિકેટરની પત્ની અને પહેલેથી જ ભાજપમાં સક્રિય હોવાના કારણે તેમને ટિકિટ મળી શકે છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના 2 સાંસદોને પણ ભાજપ ટિકિટ આપી શકે છે. જેમાં મોહન કુંડારીયા અને પૂનમબેન માડમને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉમેદવાર બનાવી શકે છે.