૧૫ વર્ષ અને ૮ મહિનાની છોકરી પર કથિત ગેંગ રેપની ઘટના બની છે. ત્રણ શખ્સો દ્વારા માસૂમ છોકરીને પીંખી નાખ્યાનો બનાવ બુધવારે ગોંડલમાં બન્યો હતો, આ છોકરીએ સ્કૂલનો અભ્યાસ અધૂરો છોડી દીધો છે. છોકરી તેના પ્રેમી સાથે બેઠી હતી ત્યારે ત્રણ લોકોએ ત્યાં પહોંચીને તેમની સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડા પછી નરાધમો છોકરીને નજીકમાં ઢસડી ગયા હતા અને પ્રેમીની નજર સામે જ પ્રેમિકા પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આરોપીઓની ઓળખ કરી લીધી છે.
જ્યારે આ છોકરી પોતાના ૨૨ વર્ષના બોયફ્રેન્ડ સાથે ગોંડલ પાસે આવેલા મોટા ઉમવાડા ગામની બહાર બાઈક પર બેઠી હતી ત્યારે આ ઘટના બની હતી. જ્યારે છોકરી તેના પ્રેમી સાથે વીડિયો બનાવી રહી હતી અને વાતો કરી રહી હતી ત્યારે ત્યાંથી આરોપીઓ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, આરોપીઓએ આ કપલને જાેઈને પોતાની બાઈક ઉભી રાખી દીધી હતી. આ કેસમાં પહેલા આરોપીઓએ છોકરાને માર માર્યો હતો અને તેની પાસેથી છરીની અણીએ આરોપીઓએ ૬૦૦ રૂપિયાની લૂંટ કરી હતી.
પોલીસે જણાવ્યું કે, છોકરા સાથે મારામારી અને લૂંટ કર્યા પછી આ ત્રણે છોકરીને ત્યાંથી થોડે દૂર ઢસડી ગયા હતા, અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમોએ છોકરીને એવી પણ ધમકી આપી કે જાે આ ઘટના અંગે તેણે પોલીસ કે પરિવારને જાણ કરી તો તેઓ તેના બોયફ્રેન્ડને જાનથી મારી નાખશે. શરુઆતમાં છોકરીના માતા-પિતા ફરિયાદ નોંધાવવા અંગે આનાકાની કરતા હતા, પરંતુ પોલીસને ઘટના અંગે જાણ થતાં તેમણે છોકરીના માતા-પિતાને સમજાવ્યા હતા.
આ કેસમાં આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે સીસીટીવીફૂટેજની ચકાસણી કરી હતી, જેમાં વાહનના નંબરના આધારે પોલીસે આરોપીઓને શોધી કાઢ્યા હતા. આરોપી મુકેશનાથ લાકુમ અને સંજયનાથ માંગરોલિયા બન્ને મોટા ઉમવાડાના રહેવાસી છે જ્યારે અજયનાથ માંગરોલિયા રાજકોટના કોટડા સાંગાણી ગામનો રહેવાસી છે. ગોંડલ પોલીસે જણાવ્યું કે, આરોપીઓ મજૂરી કામ કરે છે અને તેમની ઉંમર ૨૨-૨૫ વર્ષની વચ્ચે છે.