ગઈકાલે રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પદાધિકારીઓ નિમવામાં આવ્યા અને ઘણા નવા નવા ચહેરાને પદ આપવામાં આવ્યા. ત્યારે મોટા નેતાઓ નારાજ જોવા મળ્યા હતા. કારણ કે લલિત વસોયાએ ગઈ કાલે રાત્રે વોટ્સઅપ પર એક સ્ટેટસ અપલોડ કર્યું હતુ અને જેમાં લખવામાં આવ્યું હતું કે, બધું આપણે ગમે એવું જ થોડું થાય, જ્યાં હોય ત્યાં વફાદારીથી રહેવાના સંસ્કારના કારણે ઘણું સહન કરવું પડે છે. છતાં ગુજરાત પ્રેદશ કોંગ્રેસના નવનિયુક્ત પદાધિકારીઓને ખુબ ખુબ અભિનંદન, શુભ રાત્રિ…
લલિત વસોયાના આ શબ્દો બાદ રાજકીય ગલીઓમાં ખળભળાટ મચી ગયો હતો અને નવી નવી ચર્ચાના દોર જામ્યા હતા. પરંતુ પછી અચાનક એવું થયું કે ગણતરીની મિનિટોમાં જ લલિત વસોયાએ સ્ટેટસ ડિલીટ પણ કરી નાખ્યું હતું. જો કે આ પહેલી વખત નથી કે કોંગ્રેસમાં આંતરિક વિખવાદના દાખલા સામે આવ્યા હોય. આ પહેલાં પણ ઘણી વખત કોંગી નેતાઓ નારાજ થઈને પણ પાર્ટીમાં રહ્યા છે. જો કે કોઈક નેતાએ ભાજપનો ખેસ પણ પહેરી પાર્ટી બદલી લીધી છે.
આ પહેલાં 5 માર્ચે ગુજરાત મહિલા કોંગ્રેસના હાલના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ પત્ર લખ્યો હતો કે, શ્રી નેતાજી અધ્યક્ષ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ આદરણીય મેડમ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ પદ પર છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહી છું, આ સમયગાળામાં ગુજરાતમાં ઘણી વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાઈ નગરપાલિકા, મહાનગર પાલિકાની ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ અને કોરોના મહામારીના સમયને જોતા અને સમય સંજોગો અનુસાર ખૂબ અમે ખૂબ મહેનત કરી ગુજરાત મહિલા કોંગ્રેસની છબી ખૂબ સારી બનાવી છે, ખૂબ મહેનત કરીને સંગઠન ઉભુ કર્યું છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખી આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી 2022માં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થાય ત્યાં સુધી સંગઠનના પ્રમુખપદે મને કામ કરવાનો મોકો આપવા વિનંતી, જો બદલાવ થશે તો તેની અસર ગુજરાતના મહિલા સંગઠન પડશે. અને વિધાનસભાની ચૂંટણી સમયે સંગઠન ઉભુ કરવામાં મુશ્કેલી પડશે તેથી મારી વિનંતી છે.