સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે પ્રોફેસરની ચર્ચા હાલમાં આખા ગુજરાતમાં કરવામાં આવી રહી છે. કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે પ્રોફેસરને ઈલુ ઈલુ થતાં હદ વટાવી દીધી છે. યુનિવર્સિટી અને સિન્ડિકેટ સભ્યોના વિવાદ સમયાંતરે બહાર આવતા રહે છે એ વાત તો સમજાય એવી છે, પરંતુ તાજેતરમાં જ સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યની કોલેજમાં બે પ્રોફેસર વચ્ચેના પ્રેમપ્રકરણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના શિક્ષણજગતમાં હાહાકાર મચાવી દીધો છે. આ સમગ્ર મામલે કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના બીએસસી વિભાગના હેડ, પ્રિન્સિપાલ, કોલેજના ડાયરેક્ટર સહિત તમામને ફરિયાદ પણ કરવામાં આવી છે.
જો કે મોટી વાત તો એ છે કે આટલી બધી જગ્યાએ ફરિયાદ કરવા છતાં તમામે વિદ્યાર્થીઓની ફરિયાદ નજરઅંદાજ કરતાં અંતે વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પણ પત્ર લખીને કોલેજના પ્રોફેસરો વચ્ચે ચાલતા ઈલુ ઈલુનું ધ્યાન દોર્યું અને એના કારણે અભ્યાસ પર ખરાબ અસર પડતી હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ હવે આ મુદ્દો ચારેકોર ચર્ચામાં આવ્યો છે. બંને પ્રોફેસર વિદ્યાર્થીઓને પરેશાન કરતા હોવાની, ભણાવતા નહીં હોવાની અને લેબમાં બેસવા નહીં દેતા હોવાની ફરિયાદને લઈ મામલો પ્રકાશમાં આવ્યો છે.
જો કે કુલપતિએ પણ આ અંગે કોઈપણ પ્રકારનાં પગલાં ન લીધા અને આખરે સિન્ડિકેટ સભ્યની કોલેજમાંથી બે વિદ્યાર્થીએ આ સમગ્ર પ્રકરણથી કંટાળીને એડમિશન રદ કરાવી લીધા. સાથે જ તે હવે અન્ય કોલેજમાં જતા રહ્યા હતા. આ ઘટના હવે સૌરાષ્ટ્રના શિક્ષણજગતમાં ચર્ચાસ્પદ બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ વાત કરી હતી કે હરિવંદના કોલેજના વિદ્યાર્થીઓનો પ્રોફેસરો સામેની ફરિયાદનો કોઈ પત્ર હજુ સુધી મને મળ્યો નથી. પત્ર મળે પછી તેના પર શું કાર્યવાહી થઈ શકે એ કહી શકાય. હાલ આવી કોઈ બાબત ધ્યાનમાં નથી. હરિવંદના કોલેજના સંચાલક કે પ્રિન્સિપાલ સાથે પણ યુનિવર્સિટીમાં કોઈ મીટિંગ કરી નથી.
સાથએ જ આ ઘટનાને લઈ સિન્ડિકેટ સભ્ય અને કોલેજ-સંચાલક મહેશ ચૌહાણે કહ્યું કે એક મહિના પહેલાં આવો ઇસ્યુ હોવાની વાત આવી હતી, જેને પગલે અમે દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત પૂછ્યું હતું, પરંતુ કોઈ વિદ્યાર્થી આ અંગે કશું બોલ્યા નહોતા અને આવી કોઈ સમસ્યા પણ નહીં હોવાનું બહાર આવ્યું હતું. એક મહિના પહેલાંની આ વાત છે, પરંતુ આ મુદ્દે વિદ્યાર્થીઓને પણ પૂછ્યું હતું, પરંતુ કશું તથ્ય જણાયું નહોતું. એક મહિના પહેલાં બીએસસીના વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રોફેસરોની પણ પૂછપરછ કરી હતી.