રંગીલા રાજકોટમાં બંધ ઑફિસમાં દારૂ પાર્ટી થતી હોવાનો એક વીડિયો હાલમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. બુધવારના રોજ રાત્રિના સમયે દારૂ પાર્ટી યોજાઇ હોવાનું બહાર આવ્યું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે 12 જેટલા વ્યક્તિઓ દારૂની પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે. એક તરફ દારૂ પાર્ટી તો બીજી તરફ દારૂના નશામાં ચૂર થઇને ફિલ્મી ગીતો પર ડાન્સ કરી રહેલા આ લોકો ગાંધીના ગુજરાતને લાંછન લગાવી રહ્યા છે. આ વીડિયો માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો હોય તેવી પણ ચર્ચાઓ કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર દારૂ પાર્ટી મામલે પોલીસે કાર્યવાહી કરવાની શરૂ કરી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની રણછોડનગર શેરી નંબર 16ની ઓફિસમાં દારૂ પાર્ટી થઇ હોવાનું સામે આવ્યું છે.
વીડિયોમાં 12 લોકો દારૂ પી નાચગાન કરી રહ્યા છે. વીડિયો વાયરલ થતાં પોલીસે એક્શન લઈ 6 લોકોની અટકાયત પણ કરી છે જ્યારે અન્ય 6 લોકોને પકડવા માટે કામ ચાલી રહ્યું છે, જો કે આ સમગ્ર મામલે મોટો ઘટસ્ફોટ એ થયો છે કે આ દારૂપાર્ટીમાં પોલીસ હેડ ક્વાર્ટરનો કર્મી વીરા ચાવડા પણ સામેલ છે. તે મુજબ ઓફિસ પાર્ટનર મયુર ચાવડા, પંકજભાઈ ડાંગર, જગદીશ પટેલ, જયંતિ લોખીલ, હરભમ લોખીલ, માટીયા ભરવાડ નામના શખ્સની પણ પોલીસે ઓળખ કરી અટકાયત કરી લીધી છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પણ નિવેદન આપતા કહ્યું કે વાયરલ વીડિયો અંગે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં 6 લોકોની અટકાયત કરી છે અન્ય 6ની શોધખોળ ચાલુ છે.
પોલીસ કર્મીના સવાલ પર સાહેબે કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલ પાર્ટીમાં હતા કે કેમ તે અંગે તપાસ ચાલુ છે. પછી જ કંઈક પાક્કું કહેવામાં આવશે. તો થોડા દિવસ અગાઉ રાજકોટના જસદણ વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં પાંચ યુવાનો ખુલ્લેઆમ દારૂની છોળો ઉડાડીને ટલ્લી બન્યા હતા. ત્યારે આ રીતે એક પછી એક વીડિયો સામે આવી રહ્યા છે અને રંગીલા રાજકોટમાં હવે દારુની છોળો ઉડતી જોવા મળી રહી છે.