હાલમાં એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે કે હળવદ GIDCમાં આવેલા મીઠાના કારખાનામાં દીવાલ ધરાશયી થતા 12 શ્રમિકોના મોત નિપજ્યા છે. દિવાલ નીચે દટાઈ ગયેલા આ શ્રમિકોમાં હજુ પણ 20થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ હોવાની માહિતી સામે આવી રહી છે.
હાલમાં તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને જેસીબીની મદદથી દીવાલના કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
જો કે એક બીક એવી પણ છે કે મૃત્યુઆંક હજી પણ વધી શળકે છે.
સાથે જ વિગતો મળી રહી છે કે હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની કામગીરી ચાલુ હતી. ત્યારે બારેક વાગ્યા આજુબાજુ અચાનક કારખાનાની દીવાલ ધસી પડી અને અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાઈ ગયા.
ત્યારબાદ તાત્કાલિક જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જેમાં 12 શ્રમિકોના મોત નિપજ્યાની વિગતો સામે આવી છે. ઘટનાના પગલે જિલ્લા કલેકટર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. આ મીઠાના કારખાનામાં મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.