ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયુ છે. એક તરફ પંજાબમાં પ્રચંડ બહુમતીથી ‘AAP’ની સરકાર બની છે ત્યારે હવે ગુજરાતમા પણ મેદાને ઉતરવા આમ આદમી પાર્ટી એડીચોટીનુ જોર લગાવી રહી છે. રાજકોટમાં આજે પંજાબ વિજયની ખુશીમા આમ આદમી પાર્ટીએ તિરંગાયાત્રા કરી હતી જેમા ઈસુદાન ગઢવી હાજર રહ્યા હતા.
આ દરમિયાન ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે આજે નરેશ પટેલને મળવાનો કોઈ સત્તાવાર કાર્યક્રમ નથી. આમ આદમી પાર્ટી જાતિ-જ્ઞાતિથી પર ઊઠીને બધાને લઈને ચાલશે. અમે ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત બનાવવા ઇચ્છીએ છીએ. નરેશ પટેલ માટે આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ બની શકે છે.
ઈસુદાન ગઢવી નરેશ પટેલને પાર્ટીમા જોડાવાનુ આમંત્ર્ણ આપતા કહ્યુ કે ભાજપ ભ્રષ્ટાચારયુક્ત છે, કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં છે. આવા સમયે નરેશ પટેલ જેવા સ્વચ્છ છબિ ધરાવતા અને લોક સેવક માટે આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ વિકલ્પ છે. ખોડલધામ નરેશ આવવા ઈચ્છે તો અમે તેમને દિલથી આવકારીએ છીએ. મળતી માહિતી મુજબ ખોડલધામ પ્રમુખ સાથે ઈસુદાન અને AAP નેતાઓ ગુપ્ત મુલાકાત કરવાના છે. આ સાથે તેમણે સૌથી મોટો ધડાકો કરતા કહ્યુ હતુ કે યે તો ટ્રેલર હૈ, પિક્ચર અભી બાકી હૈ.’ આવાનારા દિવસોમાં હજુ અનેક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાશે.
આગામી ચૂટણીની રણનીતિ અંગે વાત કરતા ઇશુદાને જણાવ્યું હતું કે મંત્રીઓને મળતી ફ્રી વીજળી સહિતની સુવિધાઓ સામાન્ય લોકોને પણ મળે એવા હેતુ સાથે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં AAP ઝંપલાવશે. આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્ય જેવા સામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દાઓ સાથે ચૂંટણી લડશે.