રાજકોટનો લોકમેળો જગમશહૂર છે. શ્રાવણ મહિનામાં મેળામાં લોકો ન જાય એવું ન બને. ત્યારે આવો મેળો બુધવારે શરૂ થયો હતો. રેસકોર્સ મેદાનમાં સાંજે રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકમેળાનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જ 50 હજારથી વધુ રાજકોટિયન્સ અને આજુબાજુ વિસ્તારના લોકો મેળાની મોજ લેવા માટે ઊમટ્યા હતા અને રાત્રિના 12 વાગ્યા સુધી ફજર ફાળકા, ટોરાટોરાં, ડ્રેગન સહિતની યાંત્રિક રાઇડ્સની મજા માણી હતી. લોકહૈયામાં આનંદ, ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ કરાવતો લોકમેળો લાગલગાટ પાંચ દિવસ સુધી લાખો લોકોને આવી જ મોજ કરાવવાનો છે અને હજુ પણ લોકો આવતા જ રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે લોકમેળામાં આ વખતે મુખ્ય સ્ટેજ ઉપરાંત લોકો પોતાની સુષુપ્ત શક્તિઓ બહાર લાવી પોતાની કલા ઉજાગર કરી શકે એ માટે વધારાનું એક ખાસ સ્ટેજ આ વખતે ઊભું કરવામાં આવ્યું છે. આ સ્ટેજ પરથી લોકો મિમિક્રી, હાસ્ય રસ જેવા કાર્યક્રમોનો રસથાળ દર્શકોને પીરસી શકશે. આ ઉપરાંત મુખ્ય સ્ટેજ પરથી મેળાના પાંચ દિવસ દરમિયાન અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી પણ જોવા મળવાની છે.
જો કે જે પ્રમાણે આપણે આનંદ આવી રહ્યો છે કંઈક એવી જ મહેનત પણ આ મેળા પાછળ કરવામાં આવી હતી. લોકમેળાની તૈયારીઓ છેલ્લા એક મહિનાથી જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ લોકમેળા સમિતિ દ્વારા કરવામાં આવતી હતી. લોકમેળાનો આજથી રંગારંગ પ્રારંભ થતાંની સાથે જ લોકો ફેસ્ટિવલ મૂડમાં આવી જવા પામ્યા છે. લોકમેળામાં લોકોની સલામતી સુરક્ષા માટે પણ વહીવટી તંત્ર દ્વારા ખાસ પગલાં લેવામાં આવી રહ્યાં છે. મેળા માટે વહીવટી તંત્ર દ્વારા રુ. ચાર કરોડનો વીમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાર જેટલા કંટ્રોલ રૂમ, 10 વોચ ટાવર પણ રાખવામાં આવેલા છે. મેળામાં સુરક્ષાને લઈને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રેસ-કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે લોકમેળાના ગ્રાઉન્ડને 6 સેક્ટરમાં ડિવાઈડ કરાયું છે. દરેક સેક્ટરમાં PSI ઇન્ચાર્જ રહી બંદોબસ્તનું નિરીક્ષણ કરે છે. સીસીટીવી કેમેરાનો નવો પ્રયોગ કરાયો છે, જેમાં કોઈ ગુનેગાર જોવા મળશે તો તરત પોલીસને સીસીટીવી મારફત ખબર પડશે. ગુમ થયેલાં બાળકોના ફોટા મોટી સ્ક્રીન પર દેખાડવામાં આવશે. 18 જેટલા પ્લોટ પર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણેય DCP, ACP, PI, PSI મળી કુલ 1550 જેટલા જવાનો આપણી રક્ષામાં પણ હાજર રાખ્યાં છે.
ન માત્ર રાજકોટ પણ આખા સૌરાષ્ટ્રના લોકો આ મેળાની મોજ લેવા માટે આવતા હોય છે. ત્યારે લાખો લોકો મેળાનો લાભ લેવાના હોય, લોકો આનંદ-પ્રમોદથી મેળો માણી શકે અને ટ્રાફિકની મુશ્કેલી સર્જાઈ નહીં એ માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જે મુજબ 17 રસ્તા બંધ કરાયા છે. આ ઉપરાંત મેળામાં આવતા લોકો પાર્કિંગના નામે લૂંટાઈ નહીં એ માટે 18 સ્થળે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે તો લોકમેળા નજીકના ચાર રસ્તા વાહનની અવરજવર માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. લોકમેળા દરમિયાન રેસકોર્સ રિંગ રોડ ફરતે તમામ વાહનોની 10 કિ.મી.થી વધુ ઝડપ રાખી શકાશે નહીં. આ જાહેરનામું લોકમેળો પૂરો થાય ત્યાં સુધી તા.21 સુધી અમલી રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. લોકમેળામાં પાંચ જેટલાં મોતના કૂવા, 33 મોટી ફનરાઇડ્સ, 4 મધ્યમકક્ષાની રાઈડ્સ, 54 ચિલ્ડ્રન રાઈડ્સ, બે ફૂડ કોર્ટ, 14 ખાણીપીણીના સ્ટોલ, 16 આઈસસ્ક્રીમના સ્ટોલ, 210 રમકડાના સ્ટોલ, 30 જેટલી સરકારી સંસ્થાઓના સ્ટોલ અને 2 કોરોના ટેસ્ટિંગ બૂથ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત વેક્સિનેશન માટે ખાસ બૂથ પણ પ્રવેશદ્વાર પર રાખવામાં આવ્યું છે, જેના પરથી લોકોને વેક્સિનેશનનો બીજો ડોઝ અપાશે.