લોકપત્રિકા સ્પેશિયલ
સંઘર્ષમાંથી ઉગરેલા સેલેબ્રિટી
લેખક: અલ્પેશ કારેણા
સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે બાળકો ભગવાનનું સ્વરૂપ છે. પરંતુ બાળકોને સાચવવાની વાત આવે તો એક જ ઘરમાં માતા-પિતા પણ ક્યારેક મીઠો ઝઘડો કરી લેતા હોય છે. ત્યારે વિચારો કે જે બાળકો મનો દિવ્યાંગ છે એટલે કે બૌધિક અક્ષમ છે એવા બાળકોને સાચવવા એ કેટલું અઘરુ કામ હશે. તેમ છતાં એક એવી લેડી છે જે 2010થી આવા બાળકોને સાચવી રહી છે. 200 જેટલા બાળકોની માતા બનીને ઉભરી આવેલી આ મહિલાને ખરેખર વંદન કરીએ એટલા ઓછા છે. આ બાળકોને પોતાના મગજ પર કન્ટ્રોલ નથી હોતો. એમને ખુદને નથી ખબર હોતી કે તેઓ ક્યારે શું કરે છે. તો વિચારો કે એમના ઉઠવાથી લઈને સુવા સુધીની દરેક દિનચર્યા કેવી રીતે કરાવવી અને એ પણ એકસાથે 200 બાળકોની. પરંતુ રાજકોટના પૂજાબેન પટેલ આ કામ પોતાનું કર્તવ્ય અને ફરજ સમજીને છેલ્લા 12 વર્ષથી કરી રહ્યા છે. તો આવો જાણીએ પૂજાબેનની આ અનોખી સેવા અને દિલદારી વિશે….
પૂજા પટેલ બન્યા મનો દિવ્યાંગોના બેલી
પ્રયાસ પેરેન્ટ એસોસિએશન નામના ગૃપની શરૂઆત 2009માં કરવામાં આવી હતી. રાજકોટમાં જ મનો દિવ્યાંગના વાલી ભાસ્કરભાઈ પારેખ અને હરેશ ભાઈ વિઠ્ઠલાણી દ્વારા આ સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો હતો. ત્યારે કદાચ કોઈને ખબર નહીં હોય કે આ સંસ્થા આવનારા સમયમાં એક નવો જ યુગ પરિકલ્પ કરશે. એમાં પણ 2010માં આવ્યા પૂજા પટેલ. જ્યારે પૂજા પટેલ આવ્યા ત્યારે તેઓ આ સંસ્થામાં વાઈસ પ્રેસિડેન્ટની ભૂમિકામાં હતા અને ત્યારે સંસ્થામાં માત્ર 5 મનો દિવ્યાંગ બાળકો હતા. જો કે આજે 200થી વધારે બાળકો આ સંસ્થામાં પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે. સાથે જ 2020 પછીથી પૂજા આ સંસ્થામાં પ્રેસિડેન્ટની ભૂમિકામાં રહીને ફરજ બજાવી રહ્યા છે. પૂજા પટેલની મનો દિવ્યાંગ પ્રત્યેની લાગણી તો જવાબદાર છે જ છે, પરંતુ સાથે સાથે તેઓએ આ જ ફિલ્ડમાં બીએડ, એમએડ કર્યું છે અને હવે પીએચડી પણ કરી રહ્યા છે. જ્યારે લાગણી અને જ્ઞાન બન્ને વસ્તુ સાથે મળે ત્યારે મનો દિવ્યાંગ બાળકોનો વિકાસ કેવો થાય એ હાલમાં આખા ગુજરાતની સામે છે.
200થી વધારે મનો દિવ્યાંગો સ્વમાન સાથે જીવે છે
રાજકોટમાં આવેલી પ્રયાસ પેરેન્ટ એસોસિએશન સંસ્થામાં હાલમાં 5 વર્ષથી લઈને 55 વર્ષ સુધીના 200થી પણ વધારે મનો દિવ્યાંગો સરસ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. ન માત્ર જીવી રહ્યા છે પરંતુ સ્વમાન સાથે અને સમાજ સાથે તાલ મિલાવીને જીવી રહ્યા છે એવું કહીએ તો એમાં જરાય ખોટું નહીં પડે. આમ તો મોદી સાહેબે આવા લોકો માટે દિવ્યાંગ શબ્દ આપ્યો છે. પરંતુ પૂજા પટેલ કહે છે કે આવા બાળકોને મનો દિવ્યાંગ શબ્દ મે આપ્યો અને હવે તો બધી જગ્યાએ આ શબ્દનો ઉપયોગ પણ થવા લાગ્યો છે. બૌધિક અક્ષમ ગણાતા લોકોની સાચવતી આ સંસ્થામાં વાલીઓ જ સભ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. સંસ્થામાં કુલ 28 લોકોનો સ્ટાફ છે જે દરેક સંસ્થામાં રહેલા બાળકોના વાલીઓ જ છે. જો કે સંસ્થાનો પણ પહેલાથી જ એવો નિયમ રહ્યો છે કે જેમના બાળકો આ સંસ્થામાં હોય તેઓ જ સભ્ય તરીકે સંસ્થામાં કામ કરી શકશે. એટલે એવું પણ કહી શકીએ કે વાલીઓ દ્વારા જ ચાલતી આ સંસ્થામાં બાળકોનો જીવન વિકાસ થઈ રહ્યો છે.
ઉઠવાથી લઈને સુવા સુધીની તમામ દિનચર્યા શીખવે
સંસ્થામાં થતી પ્રવૃતિ વિશે વાત કરીએ તો સામાન્ય રીતે મનો દિવ્યાંગમાં પણ અલગ અલગ કેટેગરીના લોકો આવતા હોય છે. તેમનું આઈ ક્યુ લેવલ કેટલું છે એના પ્રમાણમાં તેમનું વર્તન પણ બદલાતું હોય છે. તો આ બાળકોને ઉઠવાથી લઈને કઈ રીતે બ્રશ કરવું, નાસ્તો કરવો, કપડાં પહેરવા, ભણવા લઈ જવા. કઈ રીતે લોકો સાથે વાતો કરવી. બહાર જઈએ તો કઈ રીતે તમારો સ્વભાવ હોવો જોઈએ. સાથે જ આઈ ક્યુ લેવલ પ્રમાણે વિવિધ પ્રવૃતિ કરાવવામાં આવે છે અને તાલીમ આપવામાં આવે છે. રોજિંદા જીવનની ક્રિયામાં કોઈપણ બાળક પાછો ન પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સામાન્ય ભણવાનું જે પણ એમને ભવિષ્યમાં જરૂર પડે તો એ પણ ભણાવવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો પૂજા પટેલ આવા બાળકોને ભણાવવાનું નહીં પણ ગણાવવાનું ભગીરથ કામ કરી રહ્યા છે. માત્ર સંસ્થામાં જ બાળકોને રાખવાાં આવે છે એવું પણ નથી. જો કોઈ બાળક ભણવામાં હોંશિયાર હોય, સારી પ્રતિભા ધરાવતો હોય, એમના કોઈ વિશેષ કળા હોય, અથવા તો એમનું મગજ ફરી કન્ટ્રોલમાં આવી ગયું હોય તો મેઈન સ્ટ્રીમમાં પાછા પણ મોકલી દેવામાં આવે છે, જેથી એમનો જીવન વિકાટ અટકી ન જાય.
બાળકોને રોજગારી પણ આપે છે સંસ્થા
આ બાળકો ત્યાં રહીને ખાલી જીવન જ પસાર કરે એવું પણ નથી. તેઓ ત્યાં કેટલુંય કામ પણ સાથે સાથે કરી રહ્યા છે. જેમ કે કોઈ પાસે કોમ્પ્યૂટરનું જ્ઞાન વધારે છે. તો તેઓ બીજા બાળકોને કોમ્ય્યૂટર શીખવે છે અને આર્થિક રીતે થોડો કેપેબલ બની શકે છે. જ્યારે પણ કોઈ તહેવાર આવે તો એને અનુસંધાનમાં ત્યાંની વસ્તુ પણ આ બાળકો બનાવે છે. જેમ કે દિવાળી આવે તો દિવા બનાવે, રક્ષાબંધન આવે તો રાખડી બનાવે. એ જ રીતે વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવે. સિલાઈનું કામ કરે. આવી અનેક રીતે ત્યાંના લોકોને રોજગારી આપવાનું કામ પણ પૂજા પટેલ કરી રહ્યા છે. આ બાળકો જેવી જેવી વસ્તુ બનાવે એ બહારની કોઈ કંપની અથવા તો સંસ્થામાં જ જેતે વસ્તુનો સ્ટોલ નાખી લોકોને વેચવામાં આવે છે અને એમાંથી જે પણ પૈસા મળે એ બાળકોને જ આપવામાં આવે છે. આ બાળકો એકબીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકે એનું પણ જ્ઞાન પીરસવામાં આવે છે. બાળકો બીજાની કાળજી લેતા થાય એ પણ એટલું જ જરૂરી છે. આ તાલીમના ભાગરૂપે જ કદાચ આજે સંસ્થાના જ 9 બાળકો સંસ્થામાં કર્મચારી તરીકે હાલમાં ફરજ બજાવી રહ્યા છે. આ સિવાય ઘણા એવા પણ બાળકો છે કે જેઓ ભણવામાં હોશિયાર હતા તો બીજી કંપનીમાં તેમને નોકરી પણ અપાવી છે.
બાળકોના વાલીઓને પણ વિશેષ તાલીમ
માત્ર બાળકોને ભણાવવાથી કે તાલીમ આપવાની વાત પુરી નથી થઈ જતી. પરંતુ પૂજા પટેલનું કામ ખરેખર મહાન છે, કારણ કે આવા બાળકોના વાલીઓને પણ તાલીમ આપવામાં આવે છે. ભારત અને ગુજરાત સરકારની યોજનાનીઓની માહિતી વાલીઓ સુધી પહોંચાડવામાં આવે છે. બાળકોને જે પણ સહાય મળવા પાત્ર હોય એની તમામ માહિતી પણ વાલીઓ સુધી પહોંચાડવામાં આવે છે. મેડિકલ સહાય, પોલીસી, વિમો… વગેરે બધાનો લાભ અને એમની માહિતી લઈ શકે એ માટે દરેક વાલીઓને સરખી રીતે જ્ઞાન આપવામાં આવે છે. આવા બાળકોને બસ પાસ, રેલવે પાસ, બધા પ્રકારના કાર્ડ કઈ રીતે મળે અને આ બાબતે વાલીઓમાં જાગૃતિ આવે એવી તાલીમ પણ આપવામાં આવે છે. ટૂંકમાં વાલીઓ ઘરે રહીને પણ બાળકોને કઈ રીતે સારું કરી શકે એની પણ તમામ માહિતી સંસ્થામાં આપવામાં આવે છે.
2012માં રાષ્ટ્રપતિ એવોર્ડ
સંસ્થા માટે એક વિશેષ વાત પણ એવી છે કે સંસ્થાનો એક બાળક કે જેનું નામ જિમિશ પારેખ. એમને 2012માં પ્રવણ મુખર્જીના હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. મનો દિવ્યાંગ હોવા છતાં તેમની અચિવમેન્ટ ખરેખર કાબિલ-એ-દાદ હતી. એ એક્ટિવા પણ ચલાવે, બેન્કમાં નોકરી પણ કરે અને 10,000 રૂપિયા પણ કમાતો એ સમયમાં. રાજકોટમાં તમે કોઈપણ જગ્યાએ મોકલો તે એ જઈ આવે અને વ્યવસ્થિત રીતે ફરી સંસ્થામાં પણ આવી જાય. આવી અનેક ખુબીઓના કારણે તેમને 2012માં રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રવણ મુખર્જીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
પૈસા ઘટે તો પૂજા ઘરેથી લાવે
આ આખી જ સંસ્થા ડોનેશન પર ચાલી રહી છે. જે વાલીઓ સક્ષમ છે એના વાલીઓ આપમેળે સ્વેચ્છાએ દાન આપે છે. પૂજા પટેલ કહે છે કે અમે કોઈ પાસે માગવા જતા નથી. જેમને પ્રેમથી જે આપવું હોય એ આપે છે. સંસ્થા પાસે એફ ડી પણ છે. આખી સંસ્થા ડોનેશન પર ચાલે છે. જ્યારે ઘટે છે ત્યારે પૂજા પટેલ પોતાના ઘરેથી પૈસા લાવીને પણ સંસ્થા ચલાવે છે. કુલ 28 લોકોનો સ્ટાફ હાલમાં કામ કરે છે. સાથે સાથે જ વુમન એમ્પાવરમેન્ટનું પણ કામ કરવામાં આવે છે. બાળકોની મમ્મી કે જે એકલી હોય તો એમના મમ્મીઓને સક્ષમ બનાવીને કામ પણ આપવામાં આવે. આર્થિક ઉપાર્જન કઈ રીતે થાય એવા કામ પણ આપીએ.
‘પૂજાનું સ્વર્ગ’ બનાવવાનું પૂજાનું સપનું
સંસ્થાના પ્રેસિડેન્ટ પૂજા પટેલની વાત કરીએ તો તેમને એક દીકરો છે એ પણ મનો દિવ્યાંગ જ છે. હવે એમને બીજું સંતાન પણ નથી કરવું. પૂજા પટેલ કહે છે કે હવે મારે બીજું સંતાન નથી કરવું, હું ઘરેણા પણ પહેરતી નથી, લગ્નમાં પણ જતી નથી અને મારે ત્યાં કોઈ મહેમાન પણ આવતા નથી. બસ બાળકો જ મારી દુનિયા છે. મારી સવાર પણ અને સાંજ પણ આ 200 બાળકોથી જ થાય છે. પૂજા પટેલ પોતાના સપનાની વાત કરતા કહે છે કે મારે પૂજાનું સ્વર્ગ બનાવવું છે. કે જેમાં મારે 2000 બાળકોની માતા બનીને રહેવું છે. આ સ્વર્ગમાં બાળકોને રહેવા, જમવા, ભણવા, જીવન વિકાસ, શારિરીક, માનસિક, આર્થિક, બધી જ વ્યવસ્થા મળી રહે. મનો દિવ્યાંગ લોકોને રોજગારી પણ મળે, કામ પણ મળે, માન-સન્માન-વિશ્વાસ-આત્મ વિશ્વાસ બધું જ મળી રહે. એક આવું પૂજાનું સ્વર્ગ બનાવવાની પૂજા પટેલનું સપનું છે. સાથે જ પૂજા આવા બાળકો વતી સમાજને કહે છે કે આ બાળકોને તમારી દયા કે સેવાની જરૂર નથી. એમના તમારા પ્રેમ-હુંફ અને લાગણીની જરૂર છે. સમાજ સાથે એમને અપનાવો અને સામાન્ય બાળકોની જેમ જ રાખો તો પણ બાળકો આખું જીવન હસતા હસતા જીવી લેશે.