ગુજરાતમાં ચૂંટણીની વાત કરીએ તો પહેલા તબક્કાની 89 બેઠકોના ઉમેદવારી ફોર્મ સોમવારે ભરાઈ ચૂક્યાં છે. પરંતુ જેમા એક વાત એવી સામે આવી છે કે સૌરાષ્ટ્રની બેઠકો પર ઉમેદવારી કરવા માટે નેતાઓનો રાફડ઼ો ફાટી નીકળ્યો છે. એમાં પણ જો વાત કરીએ રાજકોટની તો ત્યાં તો ઉમેદવારો મેદાનમાં ખસોખસ રીતે ઉતરી પડયાં છે. રાજકોટમાંથી જ એક એક બેઠકો પર ઢગલાં બંધ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યાં છે. તો આ તરફ એવું પણ જોવા મળી રહ્યું છે કે રાજકોટથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સરકારના મંત્રી રહી ચૂકેલાં ચહેરાઓ આ વખતે કપાયા છે.
વિગતે વાત કરીએ તો રાજકોટ શહેર અને જિલ્લાની 8 વિધાનસભા બેઠક પર કુલ 170 જેટલા ફોર્મ ભરાયા છે. જેમાં રાજકોટ વિધાનસભા 68 પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 28 ફોર્મ, રાજકોટ વિધાનસભા 69 પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 26 ફોર્મનો રાફડો ફાટ્યો છે, તો વળી રાજકોટ વિધાનસભા 70 પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 27 ફોર્મ જ્યારે રાજકોટ વિધાનસભા 71 પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 25 ફોર્મનો આંકડો જોવા મળી રહ્યો છે.
આ વાત હતી શહેરની… પણ જો રાજકોટ ગ્રામ્યની બેઠકો પર નજર કરીએ તો પણ પરિસ્થિતિ એવી જ છે. કેમ કે જસદણ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 17 ફોર્મ, ગોંડલ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 10 ફોર્મ, જેતપુર બેઠક પર અત્યાર સુધીમાં કુલ 16 ફોર્મ તથા ધોરાજી બેઠક પર અત્યાર સુધીમાં કુલ 21 ફોર્મ ભરાયા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે સૌરાષ્ટ્રમાં કોણ કેના કેટલા મત તોડશે અને કોણ આખરે વિજયી બનશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે.