પોરબંદર લોકસભા બેઠક પર જંગી લીડથી ચૂંટાય સાંસદ તરીકે કાર્યરત અને રાજકારણ એટલે લોકસેવા વાક્યને સાર્થક કરી નાનામાં નાના વ્યક્તિની ખેવના કરી લોકોના હદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનારા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક તથા ઉપલેટા દાસીજીવણ સત્સંગ મંડળના સયુંકત ઉપક્રમે આવતી કાલથી ઉપલેટા ખાતે ભવ્યાતિભવ્ય ભાગવત સપ્તાહ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં કથાના મુખ્ય વક્તા તરીકે જીગ્નેશ દાદા (રાધે રાધે) ઉપસ્થિત રહેશે.જ્યારે કથાના કાર્યક્રમની રૂપરેખા મુજબ આવતી કાલે બપોરથી શોભાયાત્રા કથા સ્થળ પર જવા નીકળશે.ત્યાર બાદ કથાના પ્રસંગો રૂપે નૃસિંહ અવતાર,વામન અવતાર,ગોવર્ધન લીલા,રૂક્ષ્મણી વિવાહ,સુદામા ચરિત્ર સહિતના જુદા-જુદા સપ્તાહના પ્રસંગોનું જીગ્નેશ દાદા (રાધે રાધે) રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ સુધી ધર્મપ્રેમી જનતાને રસપાન કરાવશે.
.બાદમાં આવનારી ૩૦મીએ રંગેચંગે યોજાયેલી ભાગવત સપ્તાહનું સમાપન થશે.આ તકે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે વાતચીત દરમ્યાન જણાવેલ કે હું અને મારો પરિવાર વર્ષોથી આધ્યાત્મિકતા તથા લોકસેવામાં માનનારા છીએ ત્યારે અમારા પરિવાર દ્વારા દર વર્ષે ભાગવત સપ્તાહ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે.
જ્યારે હાલમાં પોરબંદર સાંસદ તરીકે લોકોએ મારી પસંદગી કરી છે ત્યારે સમગ્ર મત વિસ્તારએ મારો પરિવાર છે અને અહીંના લોકોનો મારા પ્રત્યે પ્રેમ એ જ મારા માટે સાચી મૂડી છે.જેને અનુસંધાને આ વખતે ભાગવત સપ્તાહનું આયોજન મારા મત વિસ્તાર ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે.જેથી વધુમાં વધુ લોકોને ઉપસ્થિત રહી ભાગવત સપ્તાહનો લાભ લેવા આમંત્રણ પાઠવું છું.
ઉપલેટા ખાતે યોજાનારી ભાગવત સપ્તાહના આયોજનને સફળ બનાવવા મુખ્ય યજમાન તરીકે ખોડલધામ ટ્રસ્ટી તથા માન બિલ્ડર્સ & ગ્રુપ વાળા વિપુલભાઈ ઠેસિયા તથા ઉપલેટા પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ રવિભાઈ માકડીયા ઉપસ્થિત રહેનાર છે. જ્યારે કથાનું સમગ્ર આયોજન પાર પાડવા સાંસદ રમેશભાઈ ધડુકના જ્યેષ્ઠ પુત્ર તથા મેનેજમેન્ટ ગુરુ ડો.નૈમિશભાઈ ધડુક,સાવનભાઈ ધડુક,રવિભાઈ માકડીયા,વિપુલભાઈ ઠેસિયા તથા તેમની ટીમ ખડેપગે રહી જહેમત ઉઠાવી રહી છે.